Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

૨૦ ઓક્ટોબરે કોર્ટ જામીન અરજી ઉપર નિર્ણય કરશે

જેલમાં જ રહેશે આર્યન ખાન : વિવાદિત મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આ કેસમાં રાહત મળી નથી

મુંબઈ, તા.૧૪ : વિવાદિત મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આ કેસમાં રાહત મળી નથી. આજે તેની જામીન અરજી પર સુનાવણી હતી. જજે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. આ કેસની આગામી સુનાવણી તારીખ ૨૦ ઓક્ટોબરે થશે. આજે સુનાવણી બપોરે ૧૨ વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના ASG (એડિશનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહ સવા એકની આસપાસ સેશન્સ કોર્ટ આવ્યા હતા. કોર્ટે જામીન અરજી પરનો નિર્ણય તારીખ ૨૦ ઓક્ટોબર આપવાનો આદેશ આપ્યો હતો. કારણકે, તારીખ ૧૫ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી મુંબઈ સેશન્સ કોર્ટની રજા રહેશે. વિજયાદશમીના કારણે હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટ બંને ૫ દિવસ સુધી બંધ રહેશે.

કિંગ ખાનના દીકરા આર્યન ખાનની જેલમાં હાલત ખરાબ છે. રિપોર્ટ અનુસાર, આર્યન જેલમાં ગયો છે ત્યારથી એક કોળિયો પણ જેલના ભોજનનો નથી ખાધો. આર્યનને જેલનો ખોરાક પસંદ નથી આવી રહ્યો.  રિપોર્ટ અનુસાર, રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આર્યન માત્ર બિસ્કિટ ખાઈને દિવસો કાઢી રહ્યો છે. આર્યન પોતાની સાથે પાણીની ૧૨ બોટલ લઈને ગયો હતો, જે અત્યાર સુધી ચાલી રહી છે. આર્યન જેલનું પાણી પણ નથી પીતો, તેની પાસે હવે હવે માત્ર ૩ બોટલ બાકી રહી છે.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોર્ટના આદેશ વિના આર્યનને ઘરનો ખોરાક નથી મળી શકતો. આર્યન ખાને જેલની કેન્ટિનનું ભોજન જ લેવું પડશે. આર્થર રોડ જેલમાં સવારે નાસ્તામાં શીરા પૌઆ આપવામાં આવે છે. લંચ અને ડિનરમાં દાળ, ભાત, રોટલી અને શાક આપવામાં આવે છે. પરંતુ આર્યન ખાન કેન્ટિનમાંથી બિસ્કિટ ખરીદીને કામ ચલાવે છે. જ્યારે તેને જમવાનું પીરસવામાં આવે છે ત્યારે કહે છે કે તેને ભૂખ નથી. જેલના અધિકારીઓએ આર્યનને સમજાવ્યો હતો પરંતુ જેલમાં કંઈ જ ખાવા માટે રાજી નહોતો. રિપોર્ટ્સ પ્રમાણે, શાહરૂખ અને ગૌરી કેસના સતત ફોલો-અપના સાથે ઊંઘ્યા વગર રાતો પસાર કરી રહ્યા છે. ન્યૂઝ પોર્ટલના કહેવા પ્રમાણે, કપલ આર્યનના હેલ્થની અપડેટ માટે દિવસ દરમિયાન અઢળક ફોન કરે છે. શાહરૂખ અને ગૌરીએ આર્યન માટે ઘરે બનેલું ભોજન તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોકલી હતી. જો કે, તેને અંદર લઈ જવાની મંજૂરી મળી નહોતી.

(7:24 pm IST)