Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

દિલ્‍હીથી UP સુધી આકાશમાં ચાલતી ટ્રેનનો નજારો દેખાયો

અદભુત નજારાને જોઈને લોકો દંગ રહી ગયા હતા

નવી દિલ્‍હી, તા.૧૪: દિલ્‍હીથી માંડીને ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી આકાશમાં એક રહસ્‍યમય નજારો જોવા મળ્‍યો હતો. આ અદભુત નજારાને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ રાજ્‍યોમાં કેટલીય જગ્‍યાએ આકાશમાં એક ચાલતી ટ્રેન નજરે પડતી હતી. રાતના અંધારામાં અજીબ પ્રકાશ જોવા મળ્‍યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ગઈ કાલે રાત્રે આકાશમાં એક રહસ્‍યમય ઓબ્‍જેક્‍ટે ભારે કૌતુક જગાવ્‍યું હતું. આકાશમાં એક રોશની એક લાઇનમાં ચાલતી દેખા દીધી હતી. યુપીના કેટલાય વિસ્‍તારોમાં એ રહસ્‍યમય વસ્‍તુ ચાલતી દેખાઈ તો લોકોએ સોશિયલ મિડિયામાં તેનો વિડિયો શેર કર્યો હતો, જે વાઇરલ થઈ ગયો.
ગઈ કાલે આકાશમાં આ નજારો જોઈને લોકો દંગ રહી ગયા હતા. દિલ્‍હીથી માંડીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને લખીમપુર ખીરી સહિત કેટલાંય શહેરોમાં લોકોએ નજારો જોવા મળ્‍યો હતો. બિહારના ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની પુત્રી રાજ લક્ષ્મી યાદવે આ નજારો કેમેરામાં કેદ કરી લીધો હતો અને ટ્‍વિટર પર વિડિયો પોસ્‍ટ કરતાં લખ્‍યું હતું કે ગઈ કાલે રાત્રે આ અજાણી વસ્‍તુ દેખા દીધી હતી.
આ વિડિયો ઝડપથી વાઇરલ થયા પછી એક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું હતું કે વિશ્વના સૌથી શ્રીમંત વ્‍યક્‍તિ અને ટેસ્‍લાના માલિક એલન મસ્‍કનું સ્‍ટારલિન્‍ક સેટેલીઇટ છે. વાસ્‍તવમાં સ્‍ટારલિન્‍ક એલન મસ્‍કની કંપની છે, જે વિશ્વમાં સેટેલાઇટ દ્વારા ઇન્‍ટરનેટની સુવિધા આપે છે. એને લઈને તેમણે કેટલાંય સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલ્‍યાં હતાં.

 

(4:11 pm IST)