Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

લગ્નના ફેરા પહેલાં વરરાજાને દર શનિ-રવિ ક્રિકેટ રમવાની છૂટ આપતા કરાર પર દુલ્હને કરી સાઇન

ચેન્નાઇ, તા.૧૪: કુંવારા હોય અને લગ્ન બાદ જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે. વધતી જવાબદારીઓને કારણે મિત્રો સાથે વિતાવતા સમયમાં મોટો કાપ મુકાઈ જાય છે. જોકે તામિલનાડુના થેનીમાં રહેતા મિત્રોએ આ માટે એક નવો ઉપાય શોધી કાઢ્યો છે જેથી તેમનો મિત્ર જેનાં તાજેતરમાં લગ્ન થયાં હતાં તે ક્રિકેટ-મૅચ રમવાનું ન ચૂકે. તેમણે પસંદ કરેલી પદ્ધતિ પણ બહુ રમતિયાળ હતી. થેનીની એક પ્રાઇવેટ કૉલેજમાં -ોફેસર તરીકે કાર્યરત હરિપ્રસાદે રવિવારે પૂજા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે એ માટે પૂજાએ એક શરત સ્વીકારવી પડી હતી. તેમના મિત્રો ઇચ્છતા હતા કે હરિપ્રસાદ ક્રિકેટની મૅચ ચૂકવો ન જોઈએ. એ માટે મિત્રો ૨૦ રૃપિયાનું સ્ટૅમ્પ-પેપર લઈને આવ્યા હતા અને લગ્નની ગાંઠ બાંધતાં પહેલાં પૂજાને એના પર સહી કરવાનું કહ્યું હતું; જેમાં લખ્યું હતું કે 'હું પૂજા, હરિપ્રસાદને સુપરસ્ટાર ક્રિકેટ ટીમ માટે શનિવાર અને રવિવાર દરમ્યાન ક્રિકેટ રમવાની મંજૂરી આપું છું.' કન્યાએ કંઈ પણ વિચાર કર્યા વગર તરત જ પેપર પર સહી કરી આપી હતી. પરિણામે મિત્રોએ રાહત અનુભવી હતી. કરાર પર સહી કર્યા બાદ કન્યા અને વરરાજાએ કરાર સાથેના ફોટો માટે પોઝ પણ આપ્યો હતો.

(3:55 pm IST)