Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

જીઓની ફાઈવ-જી સર્વીસ નાથદ્વારાથી શરૂ કરવાના અંબાણીએ આપ્‍યા સંકેત

પૂ.વિશાલ બાવાના ચરણસ્‍પર્શ કરી આશિર્વાદ લીધાઃ કોરોના કાળ પછી પ્રથમ વખત મુકેશભાઈ શ્રીનાથજી બાવાના દર્શને આવ્‍યાઃ મનોજભાઈ મોદી, રાધિકા મર્ચન્‍ટ સાથે રહયા

નાથદ્વારાઃ રિલાયન્‍સ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ ૫-જી સર્વિસ શ્રી નાથજીની નગરી નાથદ્વારાથી શરૂ કરવાના  સંકેત સોમવારે  આપ્‍યા હતા. અંબાણી અહીં ભગવાન શ્રી નાથજીના દર્શન કરવા આવ્‍યા હતા. આ દરમ્‍યાન તેમણે જીઓ મોબાઈલની ૫- જી ઈન્‍ટરનેટ સુવિધાની શરૂઆત નાથદ્વારાથી જ કરવાની શકયતા વ્‍યકત કરી હતી. તિલકાયત પુત્ર પૂ.વિશાલ બાવા સાથે તેમણે ઘણાં વિષયો પર ચર્ચા પણ કરી.
પૂ.વિશાલ બાવાએ કોકીલાબેનની તબિયત અંગે પણ પુછયું હતું. મંદિર ટ્રસ્‍ટના ઉપાધ્‍યક્ષ કોકીલાબેન અત્‍યારે લંડનમાં મુકેશ અંબાણીએ ખરીદેલા મહેલમાં રહી રહ્યા છે. મુકેશભાઈ કોરોનાકાળ પછી દર્શન કરવા પહેલીવાર આવ્‍યા છે. તેમની સાથે ઉદ્યોગપતિ મનોજ મોદી અને અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્‍ટ પણ હતા.
શ્રી મુકેશ અંબાણી પોતાના મિત્રો સાથે ખાસ વિમાન દ્વારા મુંબઈથી ડબોક એરપોર્ટ પહોંચ્‍યા હતા. ત્‍યાંથી તેમની કારોનો કાફલો સીધો શ્રીનાથજી મંદિરના મોતી મહલ ચોકમાં પહોંચ્‍યો હતો. તેમણે  ભગવાનની આરતીના દર્શનનો લાભ લીધો હતો. વિશેષ દર્શનમાં થતી ઠાકોરજીની આરતી પુરી થઈ ત્‍યાં સુધી તેઓ ત્‍યાં જ ઉભા રહ્યા હતા અને પ્રભુના સ્‍વરૂપને નિહાળ્‍યું હતું. તેમણે દેરી ઉપર ભેટ ચડાવી હતી. આરતી દરમિયાન મુકેશભાઈ કેટલીય  વાર ઠાકોરજી સન્‍મુખ હાથ જોડી પોતાને ધન્‍ય અનુભવી રહ્યા હતા.
ત્‍યાંથી તેઓ નિધિ સ્‍વરૂપ લાડલે લાલન મંદિર ગયા હતા. ત્‍યાં દર્શન કર્યા પછી ભેટ રાખી. મહાપ્રભુજી બેઠકે પહોંચીને તેમણે તિલકાયત પૂ.રાકેશ ગોસ્‍વામીના પુત્ર પૂ.વિશાલ બાવાના ચરણસ્‍પર્શ કરી આશીર્વાદ લીધા હતા. વિશાલ બાવાએ અંબાણીના માથે ફેંટો બાંધીને તથા રજાઈ ઓઢાડીને પ્રસાદ આપી સન્‍માન કર્યું હતું. જે તસ્‍વીરમાં નજરે  પડે છે.

 

(11:45 am IST)