Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

સાત માસમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 78 અબજ ડોલર ઘટયો

ફેબ્રુઆરીમાં 631 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પરથી ઘટીને 553 અબજ ડોલર પર સરક્યું :ગત સપ્તાહે એક જ ઝાટકે આઠ અબજ ડોલરનો ઘટાડો થયો

નવી દિલ્હી :ગત સાત માસમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 78 અબજ ડોલર ઘટયો છે. ભારતનો વિદેશ હૂંડિયામણનો ભંડાર આ વર્ષે ફેબ્રુઆરીમાં 631 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર હતો અને હવે તે ઘટીને 553 અબજ ડોલર પર આવી ગયો છે. એટલે કે ગત સાત માસમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 78 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ગત સપ્તાહે એક જ ઝાટકે આઠ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો.

   સામાન્ય રીતે આવું માનવામાં આવે છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ભારતના આયાત બિલમાં વધારો થયો છે, તેને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. તેના સિવાય એવું કહેવામાં આવે છે કે વિદેશી રોકાણકાર શેરબજારમાંથી નાણાં કાઢી રહ્યા છે અને એફડીઆઈ આવી રહી નથી. તેથી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. પરંતુ સૌથી મોટું કારણ રૂપિયાની ઘટતી કિંમતને સંભાળવા માટે ડૉલર બજારમાં કાઢવાને પણ માનવામાં આવે છે

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂપિયો ગગડતો બચાવવા માટે મોટા પ્રમાણમાં ડૉલર બજારમાં કાઢી રહી છે. તેમ છતાં એક ડૉલરની કિંમત 80 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે

(12:20 am IST)