Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ આવરી લેવા વિચારણા

જીએસટી પર મંત્રીઓની એક પેનલમાં વિચારણા : જીએસટી સિસ્ટમમાં બદલવા માટે પેનલના ૭૫ ટકા સભ્યોનું એપ્રૂવલ જરૃરી, પેનલમાં રાજ્યો-ક્ષેત્રોના પ્રતિનિધિ

નવી દિલ્હી, તા.૧૪ : પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી લોકોને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચારણા થઈ રહી છે. જાણકારી પ્રમાણે જીએસટી પર મંત્રીઓની એક પેનલ નેશનલ રેટના ભાગરૃપે પેટ્રોલિયમ ઉત્પાદનો પર પણ અન્ય પ્રોડકટ્સની જેમ જીએસટી લગાવવા માટે વિચારણા કરી રહી છે. હાલમાં પેટ્રોલ ડિઝલ જીએસટીમાંથી બાકાત છે. જોકે જીએસટી સિસ્ટમમાં બદલવા માટે પેનલના ૭૫ ટકા સભ્યોનુ એપ્રૂવલ જરૃરી બનશે. જેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ છે.

આમાંથી કેટલાક ફ્યુલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે. બીજી તરફ દેશભરમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૃપિયા પ્રતિ લિટર નજીક છે અને ડિઝલના ભાવ પણ ૯૦ થી ૯૫ રૃપિયે પ્રતિ લિટર છે. ૨૦-૨૧ના વર્ષમાં પેટ્રોલ અને ડિઝલ પરના સરકારના ટેક્સમાં ૮૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રકમ .૩૫ લાખ કરોડ રૃપિયા રહી છે. જોકે એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્યોની આવકમાં એક લાખ કરોડ રૃપિયાની કમી આવશે. બીજી તરફ જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટસને લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ ૭૫ રૃપિયા અને ડિઝળનો ભાવ ૬૮ રૃપિયા થઈ શકે છે.

(7:21 pm IST)