Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગુજરાત ભાજપામાં મોટા ફેર બદલથી સીનિયર નેતાઓ ચિંતિત

પાર્ટીના નેતૃત્વ દ્વારા સિનિયર અને અનુભવી નેતાઓની અવગણના કરી નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તે પાર્ટીના સિનિયર નેતાઓને અનુકૂળ નથી લાગી રહ્યું

નવી દિલ્હી, તા.૧૪: ભાજપ શાસિત રાજયમાં નેતૃત્વ પરિવર્તનને લઇ પક્ષનો એક મોટો વર્ગ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાર્ટીના નેતૃત્વ દ્વારા સિનિયર અને અનુભવી નેતાઓની અવગણના કરી નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તે પાર્ટીના સિનિયર નેતાઓને અનુકૂળ નથી લાગી રહ્યું. પરંતુ પાર્ટીના તમામ નેતાઓ અનુશાસનને લઇને પાર્ટીના દરેક નિર્ણયની સાથે ઉભા રહે છે. અને ખુલીને સમર્થન કરી રહ્યાં છે પરંતુ તેમની નારાજગી ચૂંટણી સમયે અસર દર્શાવી શકે છે.ભાજપે ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં તાજેત્ત્।રમાં મુખ્યમંત્રીઓ બદલ્યા છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. હજી પણ પક્ષ દ્વારા ફેરફાર કરવામાં આવે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. પાર્ટીના સિનિયર નેતાઓને લાગી રહ્યું છે કે, તેમના આગળ વધવાના માર્ગ પર તેમની વરિષ્ઠતા જ આડે આવી રહી છે. બદલાવના નામ પર તેના જૂનિયર નેતાઓને આગળ કરવામાં આવી રહ્યાં છે.

ઉત્તરાખંડમાં તિરથસિંહ રાવતને મુખ્યમંત્રી પદેથી હટાવતા પાર્ટીના સિનિયર નેતાઓને આશા હતી કે, તેમની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે પરંતુ નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહે બીજી વખત ધારાસભ્ય બનેલા પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા.

કર્ણાટકમાં પણ યેદિયુરપ્પાના ઉત્ત્।રાધિકારી તરીકે અનેક સિનિયર નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા. બમ્બઇ પણ એક સિનિયર નેતા છે પરંતુ તેઓ સમાજવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે, ઉપરાંત દૂર દૂર સુધી સંદ્ય સાથે કોઇ સંબંધ નથી. જેના કારણે વર્ષોથી સંદ્ય સાથે જોડાયલા સિનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી.

ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની જગ્યાએ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ અગાઉ વિજય રૂપાણીને પણ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા તે પહેલા જ મુખ્યમંત્રી બનાવી દીધા હતા. જીતુ વાદ્યાણી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા અને તેમને પ્રદેશ પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ અનેક સિનિયર નેતાઓ દાવેદાર હતા. પરંતુ પક્ષે આ સિનિયરોની સાપેક્ષે જૂનિયર નેતાને મુખ્યમંત્રી બનાવી દીધા.

ગુજરાતમાં ભાજપે એક રણનીતિન અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પાટીદાર નેતાની પસંદગી કરી છે. પરંતુ પાટીદાર નેતાઓમાં પણ નીતિન પટેલ જેવા સિનિયર નેતાઓ હોવા છતાં ભૂપેન્દ્રભાઇ પટેલની પસંદગી થતા પ્રમુખ પાટીદાર નેતાઓનું અસહજ થવું સ્વાભાવિક છે. નીતિન પટેલ ભલે નારાજ ન હોવાનો દાવો કરી રહ્યાં હોય પરંતુ હવે તેમના મુખ્યમંત્રી બનવાના સ્વપ્ન પર પૂર્ણ વિરામ મુકાઇ જતા તેઓ નારાજ નહી તો નિરાશ તો ચોક્કસ છે. તેવી રીતે સી.આર.પાટીલ પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોવા છતાં તેમનું નામ કપાઇ જતા તે પણ નારાજ છે.

ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણ રાજયોમાં લેવામાં આવેલા નિર્ણયોની અસર અન્ય રાજયો અને કેન્દ્ર સ્તરે પણ જોવા મળી રહી છે. બદલાવોથી અસહજ નેતોઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે, પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિર્ણયો પાર્ટીના હિતમાં અને રણનીતિને આધારે લેવામાં આવી રહ્યાં છે. પાર્ટી નિશ્યિંત છે કે, થોડો સમય કોઇ નેતામાં નારાજગી હોય તે સ્વાભાવિક છે પરંતુ તેની કોઇ વધારે અસર જોવા નહી મળે. તેમ છતાં પણ પાર્ટી પોતાની રીતે સંપૂર્ણપણે સતર્ક છે.

ભાજપમાં અસંતોષના કારણે પક્ષને નુકસાન ન થાય તે માટે નેતાઓને સાથે સતત સંકલન ચાલુ રાખવામાં આવે છે. જે નેતા સંપૂર્ણ પાર્ટી લાઇનથી અલગ જાય તેને હાંકી કાઢવામાં આવે છે અથવા તેને પક્ષ છોડવા માટે મજબૂર કરવામાં આવે છે. જે નેતાઓ તાજેતરના નિર્ણયોને લઇ નારાજ છે તેમની સાથે સંવાદ કરવામાં આવશે. તેની જવાબદારી RSS ઉઠાવશે. ભાજપ કેડર આધારિત પાર્ટી છે જેમાં નિર્ણય કયારેય વ્યકિત આધારે નથી લેવામાં આવતા કે નથી કયારેય નારાજગીના હિસાબે નિર્ણય લેવામાં આવતા. અગાઉ પણ આવી રીતે જોખમભર્યા નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ પક્ષને નુકસાન કરી શકે તેવો અસંતોષ કયારેય જોવા મળ્યો નથી.

(4:08 pm IST)