Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કોરોનાના કારણે આત્મહત્યાને પણ કોવિડ-૧૯થી મોત ગણવાનો સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ

લોકોને ડેથ સર્ટીફીકેટ આપવા અને પરિવારને સરકારી મદદ કરવા અંગે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે

નવી દિલ્હી, તા.૧૪: કોરોનાએ છેલ્લા દોઢ વર્ષથી દેશમાં તબાહી મચાવી રાખી છે. કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા તો કોઈએ પતિ કે પત્ની. હજારો પરિવાર અને બાળકો અનાથ થયા. કોરોનાએ માત્ર લોકોને આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ ઊંડા આદ્યાત આપ્યા. કોરોના પોઝિટિવ હોવા પર અનેક લોકો એવા હતા જે ડિપ્રેશનમાં જતા રહ્યા અને આત્મહત્યા કરી નાખી. આવા લોકોને ડેથ સર્ટિફિકિટ આપવા અને પરિવારને સરકારી મદદ કરવા અંગે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે એવા કેસ કે જયાં કોરોનાથી પરેશાન થઈને કોઈએ આત્મહત્યા કરી હોય તો એવા કેસને કોવિડ-૧૯થી થયેલા મોત ગણવામાં આવે. કોર્ટે આ અંગે રાજયોને નવા દિશાનિર્દેશ બહાર પાડવાનું કહ્યું છે.

જસ્ટિસ એમ આર શાહની પેનલે કહ્યું કે અમે તમારું સોગંદનામું જોયું છે, પરંતુ કેટલીક વાતો પર વધુ વિચાર કરવો જોઈએ. સોગંદનામામાં કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડથી મૃત્યુ પામેલા લોકોને સરળતાથી પ્રમાણપત્ર આપવા મામલે દિશાનિર્દેશ બનાવ્યા છે. આ નિર્દેશ રાજયોને મોકલવામાં આવ્યા છે. હકીકતમાં કેન્દ્રએ કોર્ટને જે શપથપત્ર સોંપ્યું છે તેમાં કહેવાયું છે કે ઝેર ખાવાથી કે અન્ય દુર્દ્યટનાના કારણે જો મૃત્યુ થાય તો પછી ભલે કોવિડ-૧૯ તેમાંથી એક કારણ કેમ ન હોય પરંતુ તેને કોવિડથી થયેલું મોત ગણવામાં આવશે નહીં.

કોર્ટે કહ્યું કે કોરોનાના કારણે આત્મહત્યા કરનારાના મોતને કોવિડથી થયેલું મોત ન ગણવું તે સ્વીકાર્ય નથી. તેમને પણ કોવિડથી થયેલા મોતનું પ્રમાણપત્ર મળવું જોઈએ. કોર્ટે સરકારને કહ્યું કે આ અંગે રાજયો માટે નવા દિશાનિર્દેશ જાહેર કરો.

અત્રે જણાવવાનું કે ગત શુક્રવારે સરકારે કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી જણાવ્યું કે કોવિડ-૧૯ પોઝિટિવ હોવાના ૩૦ દિવસની અંદર કોઈનું પણ મોત હોસ્પિટલ કે ઘરમાં થઈ જાય તો ડેથ સર્ટિફિટે પર મોતનું કારણ કોવિડ-૧૯ જ જણાવવામાં આવશે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૩૦ જૂનના રોજ નિર્દેશ જાહેર કર્યો હતો કે જે લોકોના મોત કોરોનાના કારણે હોસ્પિટલ કે અન્ય કોઈ જગ્યાએ થયા હોય તેમને કોવિડ-૧૯થી થયેલા મોત ગણવા પર વિચાર કરવામાં આવે. આ સાથે જ સરકારને તેના પર સ્પષ્ટ રૂપરેખા બનાવવાના પણ નિર્દેશ અપાયા હતા. કોર્ટના નિર્દેશ બાદ સ્વાસ્થ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ(ICMR) એ ૩ સપ્ટેમ્બરે નવી ગાઈડલાઈન જાહેર કરી. જેમાં કહેવાયું કે કોરોનાની પુષ્ટિ થયા બાદ જો કોઈ દર્દી હોસ્પિટલથી ડિસ્ચાર્જ પણ થઈ જાય તો પણ ટેસ્ટના ૩૦ દિવસની અંદર બહાર મોત થતા કોવિડ મોત ગણવામાં આવશે.

(10:14 am IST)