Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ડ્રગ્સ કેસ : એનસીબીએ સૂર્યદીપની ધરપકડ કરી

નાર્કોટિક્સ બ્યૂરોના દરોડા ચાલુ : સૂર્યદીપની ધરપકડ બાદ રિયાની મુશ્કેલી વધી શકે છે, કારણકે સૂર્યદીપ રિયા-શોવિકના ઘણા રહસ્યો જાણે છે

મુંબઈ,તા.૧૪ : સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડા સતત ચાલુ છે. સોમવારે એનસીબીએ ડ્રગ પેડલર સૂર્યદીપ મલ્હોત્રાના ઘરે દરોડા પાડ્યા હતા અને જે બાદ તેની ધરપકડ કરી હતી. કહેવાઈ રહ્યું છે કે, સૂર્યદીપની ધરપકડ બાદ રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી શકી છે, કારણકે સૂર્યદીપ રિયા અને શોવિકના ઘણા રહસ્યો જાણે છે. સૂર્યદીપ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકનો મિત્ર છે. કહેવાય છે કે, ડ્રગ કનેક્શનમાં સૂર્યદીપનો મહત્વનો રોલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, સૂર્યદીપ રિયા અને શોવિકનો સ્કૂલના સમયનો મિત્ર છે. સૂર્યદીપ મુંબઈમાં મોટી હસ્તીઓને ડ્રગ પહોંચાડતો હોવાનો આરોપ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની તપાસમાં બહાર આવ્યું છે કે, રિયા અને શોવિક મેસેજ દ્વારા સૂર્યદીપ સાથે વાત કરતા હતા. ચેટની મદદથી સૂર્યદીપ પણ ડ્રગ પેડલર હોવાની જાણકારી મળી હતી.

એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, સૂર્યદીપને પકડીને ઓફિસે લવાયો છે અને અહીં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા એનસીબીએ મુંબઈ અને ગોવામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. માહિતી મુજબ, હવે ડ્રગ પેડલરોને એનસીબી કોર્ટમાં રજૂ કરશે. સાથે સૂર્યદીપને પણ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે. કરમજીત સિંહ, આનંદ ઉર્ફ કેજે, ડ્વેન ફર્નાન્ડિસ, સંકેત પટેલ, અંકુશ અરજેંકા, સંદીપ ગુપ્તા, આફતાબ ફતેહ અંસારી અને ક્રિસ કોસ્ટા નામના શખ્સોને દ્ગઝ્રમ્ કોર્ટમાં રજૂ કરશે. એનસીબીની ટીમને કરમજીત પાસેથી મોટા પ્રમાણમાં ગાંજો અને ચરસ મળ્યા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે, શોવિક, કરમજીત પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો અને રિયા સુધી પહોંચાડતો હતો. રિયા ચક્રવર્તી ડ્રગ્સ સુશાંતને આપતી હતી. ઉલ્લેખનીય છે કે, એનસીબી મુંબઈના સહ-નિદેશક સમીર વાનખેડેએ જણાવ્યું કે, સાત ડ્રગ પેડલર્સની ધરપકડ કરાઈ છે. જેમાંથી કરમજીત સૌથી મોટો દલાલ છે જે ચરસ અને ગાંજો સપ્લાય કરે છે. કરમજીત સતત સુશાંત, રિયા અને શોવિકને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.

(7:39 pm IST)