Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દેશના લશ્કરી દળોને ફક્ત સરકારનો જ નહીં પરંતુ દરેક પક્ષનો ટેકો છેઃ લશ્કરને ટેકા મુદ્દે કોîગ્રેસના નેતા શશી થરૂરનું નિવેદન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય સત્ર પૂર્વે સરહદ પરના જવાનોને ટેકો આપવાની અપીલ કરી તેના અંગે જવાબ આપતા કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે આ અંગે ચર્ચાની કોઈ જ જરૂર નથી. દેશના લશ્કરી દળોને ફક્ત સરકારનો જ નહી પરંતુ દરેક પક્ષનો ટેકો છે, પરંતુ સરકાર સંસદ અંગે જવાબદેહ છે. તેની તે કહેવાની ફરજ છે કે શું થઈ રહ્યું છે.

તેઓ શું અમને જણાવશે કે શું થઈ રહ્યુ છે, બંને દેશના વિદેશ પ્રધાનો વચ્ચે શું વાતચીત થઈ છે, તેઓ કયા તારણ પર પહોંચ્યા છે. સરકારે આ બધી બાબતો અંગે રાષ્ટ્રને વિશ્વાસમાં લેવુ જોઈએ. લશ્કરને ટેકાની વાત હોય તેમા ચર્ચાની તો કોઈ જરૂર નથી. અમે મજબૂતીથી આપણા લશ્કરની જોડે ઊભા છીએ, એમ તેમણે ઉમેર્યુ હતુ.

આ ઉપરાંત ચાઇનીઝ સરકાર અને લશ્કર દસ હજારથી પણ વધારે ભારતીયો પર નજર રાખી રહ્યુ છે અને તેમા રાજકારણીઓ, અમલદારો, પત્રકારો અને દરેક ક્ષેત્રના જાણીતા લોકોનો સમાવેશ થાય છે, આ અંગે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ચાઇનીઝ સત્તાવાળાઓ પાસે આપણા ટોચના દસ હજારથી વધુ લોકોની વિગત હોવી તે જોખમી બાબત છે, આ કંઈ નાની બાબત ન કહેવાય. આ બતાવે છે કે તેઓની આપણે ત્યાં કેટલી હદ સુધી ઘૂસણખોરી છે.

તેમણે જણાવ્યું હતું કે મેં આ રિપોર્ટ જોયો છે. તે ઘણો રસપ્રદ છે. આપણે જોવાનું છે કે તેની પાછળનો હેતુ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્રમાં હાજર રહેલા બધા સાંસદોએ આપણા સશસ્ત્ર દળોના સમર્થનમાં એકી અવાજે અને એક સૂરે સંદેશો મોકલવો જોઈએ કે દેશ તેમની સાથે છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ સત્રમાં સંસદની વધુ એક જવાબદારી છે. આજે આપણા સૈનિકો સરહદ પર, અત્યંત દુર્ગમ વિસ્તારોમાં પહાડો પર અને ગમે ત્યારે શરૂ થનારી હિમવર્ષાની વચ્ચે જુસ્સાપૂર્વક ઊભા છે. હું માનું છું કે સંસદના દરેક સભ્યએ દેશને સંદેશો આપવો જોઈએ કે સમગ્ર સંસદ આ સૈનિકોની જોડે છે. તેમણે પૂર્વી લડાખમાં ભારત-ચીન સરહદે ચાલતા સરહદી વિવાદના સંદર્ભમાં આ પ્રકારનો સંદેશો આપ્યો હતો.

(4:32 pm IST)