Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

શ્રાધ્ધ પક્ષને નડયુ કોરોનાનુ ગ્રહણઃ પારિવારીક ભોજન ઉપર બ્રેક

દિકરીઓ-ભાણેજ તથા બ્રહ્મ-સાધુ ભોજનની પરંપરા તૂટીઃ બાલાશ્રમ-વૃધ્ધાશ્રમ, ગૌશાળા સહિતના સેવાકીય ક્ષેત્રોમાં દાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યુ

રાજકોટ તા. ૧૪ :.. હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે વર્ષોથી ચાલી આવતી વડીલોના શ્રાધ્ધ નિમિતે દિકરીઓ-ભાણેજ તેમજ બ્રહ્મભોજન પ્રથાને આ વર્ષે અનેક પરિવારોએ કોરોન મહામારીને કારણે બ્રેક મારવી પડી છે. મતલબ કે પોતાના વડીલો પાછળ શ્રાધ્ધ નિમિતેનો ભોજનના કાર્યક્રમો બંધ રાખવા પડેલ છે.

બહોળા પરિવારમાં વડીલો પાછળ શ્રાધ્ધ નિમિતેના ભોજન પ્રસંગે ઘણી જગ્યાએ ર૦ થી ૩૦ લોકોનો આંક પહોંચતો હોય ત્યારે સોશ્યલ ડીસ્ટન્સ-માસ્ક તેમજ સેનીટાઇઝર જેવા પગલાને કારણે ઘણા પરિવારોએ પોતાના વડીલો પાછળ શ્રાધ્ધ નિમિતેના ભોજન સમારંભો રદ કરીને પોતાના વડીલો પ્રત્યેની લાગણી અન્ય પુણ્યદાન જેમ કે બાલાશ્રમના બાળકોને ભોજન, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન તેમજ પાંજરપોળ ગૌશાળામાં ગાયોને ઘાસ - કબુતરને ચણ આપીને પુણ્યનું કાર્ય કરીને મન મનાવી રહ્યા છે.

કોરોના મહામારીને કારણે આમ તો દરેક પરિવરને પોતાન વડીલો પાછળ શ્રાધ્ધ કરવા માટે હિચકિચાટ અનુભવતા હતાં. કારણ કે જો વડીલોના શ્રાધ્ધ નિમિતે દિકરીઓ - ભાણેજ અને બ્રાહ્મને ભોજન માટે આમંત્રણ આપે અને સામે પક્ષેથી લોકો નિમંત્રણ ન પણ સ્વીકારે અને કોરોનાને કારણે આ વર્ષે આ કાર્યક્રમ જતો કરવાનું પણ જણાવે જયારે કોરોના કહેરને કારણે બ્રાહ્મણો પણ આવા નિમંત્રણ મળે તો ખુશીથી ના પાડી રહ્યા છે.

આમ વૈશ્વિક કોરોના કહેરને કારણે વર્ષેથી ચાલી આવતી વડીલોની પાછળ શ્રાધ્ધ નિમિતેની પારિવારીક ભોજન પ્રથાને બ્રેક લાગી ગયેલ છે. જેને લઇને શ્રાધ્ધ નિમિતે લોકો દાળભાત, શાક સાથે મિષ્ટાન અથવા ફરસાણમાં, સમોસા-ઇડલી - ખમણ જેવી આઇટમો રાખતા હોય છે જયારે આ પ્રથાને આ વર્ષે બ્રેક લાગતા મીઠાઇ તેમજ ફરસાણ અને ઇડલી-ખમણવાળાના ધંધાને પણ ઘરાકીમાં અસર જોવા મળી છે.

અસંખ્ય પરિવારેએ પોતાના વડીલોની પાછળ શ્રાધ્ધ નિમિતે પારિવારીક ભોજન પ્રથા બંધ રહેતા બાલાશ્રમ, વૃધ્ધાશ્રમમાં તીથી ભોજન ઉપરાંત પાંજરાપોળ કે ગૌશાળાને ગાયોના ઘાસચારા માટે ભેટ ઘરીને મન મનાવી લીધું છે.

અને સૌએ પ્રાર્થના કરી છે કે આવતા વર્ષે કોરોના મહામારી ન હોય અને હાલના તબકેથી ઝડપથી વિદાય લે. ફરી પાછુ લોક જીવન ધબકતુ થાય.

આવી રીતે કોરોના મહામારીના સમયમાં સામુહિક ભોજનની પરંપરા તૂટી છે. પરંતુ બાલાશ્રમ, વૃધ્ધાશ્રમ, ગૌશાળા, ઝૂપડપટી, સહિત જુદી-જુદી જગ્યાઓએ દાન કરીને લોકો પુણ્યનું ભાથુ બાંધી રહયા છે અને પોતાના પિતૃઓ પ્રત્યે ભાવવંદના કરે છે.

ભૂદેવો અને સાધુ-સંતોને દક્ષિણામાં ગાબડુ પડયું

રાજકોટ, તા. ૧૪ : 'શ્રાધ્ધ' પક્ષના ૧૬ દિવસ ભૂદેવો તથા સાધુ-સંતોને દરરોજ બપોરે અને સાંજના સમયે ઘરે જમવા બોલાવીને યશાશકિત દાન-દક્ષિણા આપવામાં આવે છે.

પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે લોકોએ ભૂદેવો અને સાધુ-સંતોને ઘરે ભોજન-પ્રસાદ માટે બોલાવવાનું આ વખતે રદ કર્યું છે.

જેના કારણે ભૂદેવો અને સાધુ-સંતોને ભોજન બાદ મળતી દક્ષિણામાં ગાબડુ પડતા આર્થિક મુશ્કેલી સર્જાઇ છે.

ભોજનના બદલે સીધા-સામાનની કિટ આપીને ઘણા પરિવારોએ ઋણ ચુકવ્યંુ

રાજકોટ તા.૧૪ : હાલમાં ''શ્રાદ્ધ'' પક્ષ ચાલી રહ્યો છે. આ દિવસોમાં પિતૃઓના સ્મરણ કરીને ભાવ વંદના કરવામાં આવે છે. કોરોના  મહામારીના કારણે ભોજનના બદલે સીધા-સામાન એટલે કે ભોજનની ચીજવસ્તુઓની કિટ આપીને પિતૃઓના આર્શિવાદ મેળવવા પ્રયાસ કરે છે.

કોરોના મહામારીના કારણે ભુદેવો અને સાધુ-સંતોને લોકોએ ઘરે ભોજન કરાવવા આ વખતે બોલાવતા નથી પરંતુ તેમને કિટ અને રોકડ દક્ષિણા આપીને પિતૃઋણ ચુકવવા પ્રયાસ કરે છે.

ઘરથી બારોબાર હોટલ-રેસ્ટોરન્ટોમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભોજનના આયોજનો

આર્થિક રીતે સદ્ધર પરિવારો દ્વારા..

રાજકોટ, તા. ૧૪ : 'શ્રાધ્ધ' પખવાડીયામાં લોકો ભોજન સમારંભો યોજીને પિતૃઓને યાદ કરીને દાન-પુણ્ય કરે છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે ઘરે-ઘરે યોજાતા સામૂહિક-પારિવારીક ભોજન સમારંભો બંધ કરાયા છે. તેના બદલે શ્રાધ્ધ પક્ષમાં અનેક આર્થિક રીતે સધ્ધર પરિવારો દ્વારા ઘરથી બારોબાર હોટલો-રેસ્ટોરન્ટોમાં ટેબલો બુક કરાવીને બપોરના સમયે અથવા તો સાંજના સમયે ભૂદેવો-સાધુ-સંતો અને પરિવારજનોને 'શ્રાધ્ધ' નિમિતે ભોજન કરાવે છે.

(3:49 pm IST)