Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સરહદી વિસ્તારોમાં સોશ્યલ મીડિયા અને નજીકના સગાઓને માધ્યમ બનાવતું ISI

સરહદ પર કેટલાક શંકાસ્પદ લોકો ભારત વિરોધી પ્રવૃતિમાં સામેલ હોવાની આશંકાઃ સુરક્ષા એજન્સીઓની તપાસ

બાડમેર તા. ૧૪: પશ્ચિમી સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇ પોતાનું નેટવર્ક વધારી રહી છે. જેના માટે સોશ્યલ મીડીયા ઉપરાંત હવે સગાઓને પણ માધ્યમ બનાવાય છે. સગાઓના માધ્યમથી ભારતીય સેનાની ગતિવિધીઓની મહત્વપૂર્ણ માહિતી માટે રૂપિયા મોકલાઇ રહ્યા છે પણ લાંબા સમય સુધી બોર્ડર પર સક્રિય ભારતીય એજન્સીઓને તેની ખબર પણ નહોતી પડી.

હવે શંકાસ્પદ લોકોને પકડીને પોલિસ ઇન્ટેલીજન્સ પૂછપરછ કરી રહી છે. ઇન્ટેલીજન્સે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે સેડવા પોલિસ સ્ટેશનની હદમાં આવતા બામરલા ગામના રહીશ જાસૂસ મુશ્તાક અલીની એક અડવાડીયા પહેલા ધરપકડ કરાઇ હતી. પૂછપરછમાં મુશ્તાકે સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ માહિતીઓ પાકિસ્તાન મોકલ્યાનું કબૂલ્યું હતું. ત્યાર પછી મીરા ખાન અને ઉતર પ્રદેશના રહીશ આદિત્ય સિંહને ઝડપી લેવાયા હતા. બન્નેએ આઇએસઆઇના હેન્ડલર અશરફના ઇશારે મુશ્તાકને રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ત્રણની ધરપકડ પછી પોલિસ ઇન્ટેલીજન્સ સક્રિય થઇ ગઇ છે.

સરહદી વિસ્તારના ઘણા શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરાઇ રહી છે. ઇન્ટેલીજન્સને શંકા છે કે કયાંક બોર્ડર પર કોઇ ગેંગતો સક્રિય નથી ને એજન્સીઓ હવે સોશ્યલ મીડીયા પર બનેલા ગ્રુપ અને ફેસબુક પર નજર રાખી રહી છે.

મુશ્તાકે ૧૪ ફેબ્રુઆરી ર૦૧૯ના પુલવડામાં હુમલા અને ર૬ ફેબ્રુઆરી ર૦૧૯ ની બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પશ્ચિમી બોર્ડર વિસ્તારની સેના ગતિવિધીઓની માહિતી પાકિસ્તાન મોકલી હતી. પોલીસના હાથમાં આવેલા જાસૂસો દોઢ વર્ષથી માહિતીઓ પાકિસ્તાન મોકલી રહ્યા હતાં પણ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓને તેની ખબર પણ નહોતી પડવા દીધી.

(3:46 pm IST)