Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

WHOએ કોરોનાની લડતમાં પાકિસ્તાનના વખાણ કર્યાઃ પોલીયો રસીકરણના આધારે ઘરે -ઘરે કોરોના ટેસ્ટીંગ

આખા વિશ્વએ કોરોનાના જંગ માટે પાકિસ્તાન પાસેથી શીખવાની જરૂર : ટેડ્રોસ અઘનોમ : મધ્ય જુન સુધી પાકિસ્તાન કોવીડનું એપી સેન્ટર બની રહ્યુ હતુઃ ત્યારબાદ જુલાઇ સુધીના ૪૦ દિવસમાં સંક્રમણ, એકટીવ કેસ , મૃત્યુઆંક ઘટવા લાગેલ : રીકવરી રેટ વધવા લાગ્યો

કરાંચી,તા.૧૪: કોરોના નિયંત્રણને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ચર્ચામાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેકટર જનરલ ટેડ્રોસ અધનોમે ખુદ પાકિસ્તાનના વખાણ કરતા જણાયેલ કે હાલ આખી દુનિયાએ પાકીસ્તાન પાસેથી શીખવાની જરૂર છે. તેમણે એક નિવેદનમાં કોરોના જંગ અંગેની પાકિસ્તાનની સરકારની રણનીતીનું સમર્થન કરેલ. જેમાં પોલીયોના પાયાનો સહારો લેવાયો છે.

ટ્રેડોસે ઘરે-ઘરે જઇ બાળકોની પોલીયો વેકસીન આપનાર પાકિસ્તાનના કમ્યુનીટી હેલ્થ વર્કરના પણ વખાણ કરેલ. પાડોશી દેશ દ્વારા તેનો ઉપયોગ સર્વીલાંસ, સંપર્કમાં આવેલ લોકોની તપાસ અને દેખભાળ માટે કરાયેલ. જેથી પરિણામે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપી ઘટાડો આવ્યો.

કોરોના અંગે ઘણા દેશોને એટલા માટે સફળતા મળી કે તેઓ સાર્સ, મર્સ, ખસરા, પોલીયો, ઇબોલા, ફલુ સહિતની બીમારીઓથી નિપટવામાં પહેલેથી માહિર હતા. પાકિસ્તાનના વડાપ્રધાનના પૂર્વ સ્પેશ્યલ આસીસ્ટંટ ડો. ઝફર મિર્ઝાએ અઘનોમના નિવેદન અંગે કહેક કે પાકિસ્તાનના પ્રયાસોને આંતરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી છે.

WHO પ્રમુખે વાયરસથી નિપટવામાં કામયાબ પાકિસ્તાન સીવાય થાઇલેન્ડ, કંબોડીયા, જાપાન, ન્યુઝીલેન્ડ, કોરીયા, રંવાડા, સેનેગલ, ઇટલી સ્પેન અને વીયેટનામની પ્રશંસા કરેલ. પાકિસ્તાના ઇસ્લામાબાદ સ્વાસ્થ્ય કાર્યાલય દ્વારા એક હેલ્થ ટીમ ૧૫ સપ્ટેમ્બરે સ્કુલ ખુલતા પહેલા ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફ માટે ટેસ્ટ કરી રહી છે. ત્યારબાદ સાર્વજનીક ક્ષેત્રોની કોલેજો અને યુનિવર્સિટીઓ ટેસ્ટીંગનો આગલો ટારગેટ હશે તેમ એક અધિકારીએ જણાવેલ.

પાકિસ્તાનમાં શિક્ષા ખાતા હેઠળ ૪૨૩ વિદ્યાલયો છે. કાલથી ૯ થી ૧૦ ધોરણ શરૂ થાય છે. જ્યારે ૬ થી ૮ ધોરણ ૨૩ મીથી શરૂ થશે અને પ્રાયમરી વિભાગ ૩૦ સપ્ટેમ્બર આસપાસ ખુલશે. આ અગાઉ ટીચર્સ અને અન્ય સ્ટાફના કોરોના ટેસ્ટીંગની પ્રક્રિયા પુરી કરાશે. પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ મોત સાથે કુલ મોતનો આંકડો ૬૩૭૦ થયો છે.

પાડોશી દેશમાં કોરોનાની હાલતમાં પહેલાથી ઘણો સુધાર આવ્યો છે. જુલાઇના મધ્યથી અગાઉ પાકિસ્તાન કોરોના સેન્ટર બની રહેલ. ત્યારે સંક્રમીત લોકો અને મોતનો આંકડો વધુ હતો. હોસ્પિટલમાં જગ્યા પણ ખાલી ન હતી. ત્યારે પાકિસ્તાની પૈરામેડીકલ મદદ માંગી રહ્યા હતા. દેશની અનેક હસ્તીઓ સંક્રમિત થયેલ. સામાન્ય લોકોમાં અસુરક્ષાની લાગણી પ્રસરેલ. વેપાર ઠપ્પ થયેલ. વસ્તુઓ -સેવાઓનો સંચાર પણ હાંસીયામાં આવી ગયેલ.

પણ મધ્ય જૂનથી જુલાઇ વચ્ચેના ૪૦ દિવસમાં કોરોના સંક્રમણ, મોત, એકટીવ કેસ અચાનકથી ઘટવા લાગેલ. રીકવરી રેટ પણ વધ્યો હતો. ૧૩ જૂને પાકિસ્તાનમાં ૬૮૨૫ નવા કેસ નોંધયેલ. ત્યાર બાદ સંક્રમણની ગતી અને મૃત્યુ આંક કંટ્રોલ થયેલ. ચીને મહામારીની શરૂઆતથી પાકિસ્તાને ભરપુર મદદ કરેલ. ચીન જ્યારે કોરોનાને લઇને આલોચનાનો સામનો કરતુ ત્યારે પાકિસ્તાન તેની પડખે ઉભુ રહેલ. ઉપરાંત તેવા સમયે પાકિસ્તાન અને કંબોડીયાએ ચિનના વુહાનથી પોતાના નાગરીકોને પરત પણ બાલાવ્યા ન હતા.

ઉપરાંત ચીનનું બેલ્ટ એન્ડ રોડ પરિયોજના હેઠળ આર્થિક કોરીડોરમાં મોટુ રોકાણ કરાવ્યું છે. ચીન નથી ઇચ્છતુ કે તેમાં તેને નુકશાન થાય. ચીન કોરોના મહામારીમાં પોતાના દેશમાં કંટ્રોલ કર્યા બાદ પાકિસ્તાનને અનુભવ જણાવેલ અને મેડીકલ એકસપર્ટ ટીમ પણ મોકલેલ. ઉપરાંત વેન્ટીલેટર અને દવાઓ, પીસીઆર કીટ્સ, ગ્લોઝ, માસ્ક, પીપીઇ કીટ અને સુરક્ષાત્મક ઉપકરણો પાકિસ્તાનને આપેલ. સાથો-સાથ ચીને પોતાની વેકસીન પ્રાથમીકતાના ધોરણે પાકિસ્તાનને આપવા કહેલ. ચીનની વેકસીનનું ટ્રાયલ પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે.

(2:51 pm IST)