Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મધ્ય- દક્ષિણ- પૂર્વોતર ભારતમાં ફરી વરસાદનો રાઉન્ડ

ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાયના સંકેતઃ સ્કાયમેટ :સૌરાષ્ટ્ર- કચ્છ અને ગુજરાતના પૂર્વ ભાગોમાં પણ ચાર-પાંચ દિવસ વરસાદ પડશે

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ્સની અસરથી દેશના મધ્ય, દક્ષિણ અને પૂર્વોતર ભારતમાં વરસાદનો રાઉન્ડ ચાલુ છે. જયારે સૌરાષ્ટ્ર- કચ્છ અને ગુજરાતના પૂર્વ ભાગોમાં આગામી ભાર- પાંચ દિવસ વરસાદી એકટીવીટી જોવા મળશે. તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

દેશભરમાં આજદિન સુધી સામાન્યથી ૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડયો છે. દેશમાં પાંચ પ્રમુખ ક્ષેત્રોમાં મેઘરાજાએ ઝમાઝમ વરસાદ ખાબકયો છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં ૧૨૯ ટકા, આંધ્રપ્રદેશમાં ૭૩ ટકા, પૂર્વ ભારતના સિકિકમ ૬૫ ટકા, તેલંગાણા ૩૩ ટકા, ઉત્તર આંધ્ર -કર્ણાટકમાં ૪૬ ટકા નોંધાયો છે.

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ બનેલી છે. જેની અસર મધ્ય અને દક્ષિણના રાજયોમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ્સ આગળ વધી રહી છે અને ઉતર તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, દક્ષિણ છતિસગઢ, ઓડિસ્સા સહિત મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વ્યાપક વરસાદની સંભાવના છે.

જયારે ગુજરાતના પૂર્વ ભાગો તેમજ સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ વરસાદની શકયતા છે.

મધ્ય પ્રદેશના દક્ષિણના ભાગો પૂર્વથી પશ્ચિમ સુધી વરસાદ પડી શકે છે. પૂર્વોતર ભારતના આસામ, મેઘાલય, નાગલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે બિહારમાં પણ સારો વરસાદ પડશે.

(2:49 pm IST)