Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દિવાળી પછી જ પ્રાથમિક - માધ્યમિક શાળાઓ ખુલશે !

કોરોનાના વધતા કહેર વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર : ૨૧મીથી શાળાઓ નહિ ખુલે : દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી શાળાઓ પુનઃ શરૂ કરવા વિચારાશે

અમદાવાદ તા. ૧૪ : કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્ત્વના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજયમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે, દિવાળી સુધી રાજયની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિને જોઇને જ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરાશે.

આ સાથે રાજયમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજયમાં ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.આ ઉપરાંત ફાજલ શિક્ષકને કાયમી રક્ષણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ આ અંગે આગામી બેઠકમાં વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે.

એક તરફ અનલોક ૪માં કેન્દ્ર સરકારે ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત સરકારે દિવાળી પહેલા સ્કૂલો શરુ નહીં થાય તેવો નિર્ણય લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળા શરુ કરવા અંગે હાલ કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો.

જો ૨૧મી સપ્ટેમ્બરથી ધો. ૯થી ૧૨ માટે વર્ગો શરૂ પણ કરી દેવાયા હોત તો પણ થોડા જ સમયમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી જાય છે, અને તે દરમિયાન સ્કૂલોમાં લાંબુ વેકેશન પડતું હોય છે.

માત્ર ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાના બદલે શકય છે કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ કેવી રહે છે તે જોઈને સરકાર હવે ત્યારપછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ તારીખથી સ્કૂલો આંશિક રીતે શરૂ કરવા અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયની વાલીઓ ટીકા કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ૨૧મીથી સ્કૂલો ખૂલવી જોઈએ કે નહીં તે અંગે મોટાભાગના વાલીઓ અસહમત છે. રાજયમાં કોરોનાના રોજેરોજ ૧૩૦૦થી વધુ નવા કેસ આવી રહ્યા છે, ત્યારે બાળકોને સ્કૂલે મોકલવાનું જોખમ લેવા માટે વાલીઓ તૈયાર નથી.

કોરોનાને કારણે બોર્ડ સિવાયના ધોરણોની આ વર્ષે ગુજરાતમાં વાર્ષિક પરીક્ષા પણ નથી લેવાઈ, અને તમામ સ્ટૂડન્ટ્સને આગલા ધોરણમાં મોકલી દેવાયા છે. સામાન્ય રીતે રાજયમાં સ્કૂલો ૧૫ જૂનની આસપાસથી શરૂ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે સ્કૂલો શરુ નથી થઈ શકી. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ અનેક મર્યાદાઓ રહેલી છે. ખાસ કરીને જે સ્ટૂડન્ટ્સ પાસે સ્માર્ટફોન, લેપટોપ કે પછી કનેકિટવિટી નથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(3:11 pm IST)