Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વારંવાર સીઝફાયર ઉલંઘનથી સરહદ પર વસવાટ કરનારાઓના જીવ તાળવે

ભારત - પાક બન્ને તરફના સીમા પરના ખેડુતો મુંજવણમાં : પાક ઉગાડવા જાય તો પાછા આવશુ કે કેમ તેની સતત ચિંતા : આરએસપુરા, સાંબા, અખનુર, પરગવાલ, ચાઢકા, કાકુ દે કોઠે, પીંડી કમ્પમાં ભારે દહેશત

જમ્મુ તા. ૧૪ : ભારત અને પાકિસ્તાની સરહદ પર રહીને ખેતી કરનારા લોકો વારંવારના સીઝ ફાયરથી સતત થથરી રહ્યા છે. તારબંદી પાર જઇને પાક ઉગાડવા કે લણવા જતા સતત મોતનો ભય જળુંબતો રહે છે કે પાછા જીવતા ઘરે આવશુ કે નહી?

ખાસ કરીને પાકિસ્તાન સેના દ્વારા વારંવારના ગોળીબારથી ચિંતિત ખેડુતોએ જણાવ્યુ છે કે જમ્મુ ફ્રન્ટીયરના હીરાનગર, આરએસપુરા, સાંબા અને અખનુર સેકટરમાં સતત ગોળીબાર થતા રહે છે. તો હિન્દસ્તાનના પીંડી ચાઢકા, કાકુ દે કોઠે, પીંડી કૈપ જેવા વિસ્તારોની પણ આવી જ હાલત છે.

ખેડુતો કહે છે કે સીમા પર વસવાટ કરનારાઓ સતત ભગવાનને પ્રાર્થના કરતા રહે છે કે સ્થિતી ઝડપથી સામાન્ય થઇ જાય.

સીમાંત ગામના ચંદુ ચક નિવાસી કૃષ્ણલાલનું કહેવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સરહદ પર ગોળીબારી ન થવાથી ખેડુતો રાહત અનુભવી રહ્યા હતા. ત્યાં ફરી પડોશી દેશમાંથી નિયમ ભંગ કરીને ફાયરીંગ શરૂ કરાતા લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે.

સીમાંત ગામ સચેતગઢ નિવાસી સરવણ ચૌધરીની જેમ અનેક સીમાવાસી અસંમજસમાં છે કે પાક વાવી દીધા પછી હવે ઉતારવા કેમ જઇશુ? પાકની દેખભાળ કરવા જનાર પર સતત મોત મંડરાતુ હોય છે કે પાછા આવી શકીશુ કે કેમ?

મોટે ભાગે પાક સેના વારંવાર સીઝફાયરનું ઉલંઘન કરતી હોવાથી સ્થિતી બગડી રહ્યાનું સરહદ પર વસનારાઓ કહી રહ્યા છે. એક વાર નિયંમનું ઉલંઘન થાય એટલે દિવસો સુધી ભારત હોય કે પાકિસ્તાન બન્ને તરફની સરહદો પર વસનારાઓની હાલત ખરાબ થઇ જાય છે.

આવા ગોળીબારના કારણે પ્રભાવિત પરિવારો માટે બનાવવામાં આવેલ કેમ્પોમાં રહેવા જતા રહેતા લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. હિન્દુસ્તાનના પીંડી ચાઢકા, કાકુ દે કોઠે, પીંડી કેમ્પ હોય કે પાકિસ્તાના ચારવા, બુધવાલ, ઠીકેરેયાલ, તમાલા, ઝરોવાલ હોય, લોકો કયારેય ઇચ્છતા નથી કે બોર્ડર પર ફાયરીંગ થાય.

ડીફેન્સ કમીટીના સભ્ય નરેશસિંહ કહે છે કે થોડી અમથી ચિંતા શરૂ થતા જ ગામવાસીઓની રક્ષા માટે સેનાના જવાનો દુશ્મનોને ભરી પીવા તૈનાત કરી દેવામાં આવે છે.

આરએસપુરાના સરહદી ગામના શ્રવણસિંહ, જરનેલસિંહ અને સોદાગરનું કહવુ છે કે જયારે બોર્ડર પર પાકીસ્તાન તરફથી કાકરી ચાળો થાય છે ત્યારે બન્ને તરફના સરહદી ગામના લોકોની મુશ્કેલી વધી જાય છે. વર્ષ ૧૯૯૮-૯૯ ના જખ્મો હજુ રૂજાણા નથી ત્યાં ફરી સ્થિતી ખરાબ કરી દેવામાં આવી છે. ખેતરોમાં પગ મુકતા પણ સૌ ડરી રહ્યા છે કે કયારે કયાં માઇન બીછાવી દેવામાં આવી હોય.

(12:47 pm IST)