Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભારતમાં વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં કોરોનાની રસી આવે તેવી શકયતા

કોવિડ-૧૯ની રસી વર્ષ ૨૦૨૧ની પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શકયતા છેઃ મંત્રી હર્ષવર્ધને

નવી દિલ્હી,તા.૧૪: કોવિડ-૧ની રસી વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શકયતા છે, એમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને  જણાવ્યું હતું.

કોરોનાની રસી કઈ તારીખે લોંચ કરવામાં આવશે તે નક્કી નથી, પણ આ રસી વર્ષ ૨૦૨૧ની પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં (માર્ચ ૨૦૨૧ સુધીમાં) તૈયાર થઈ જાય તેવી શકયતા છે.

હર્ષ વર્ધને એમ પણ ઉમેર્યું કે, સરકાર વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) અને ઉચ્ચ જોખમમાં કામ કરી રહ્યા છે તેમની કોવિડ-૧૯ વેકસીનેશનની ઈમર્જન્સી અધિકૃતતા માટે પણ વિચારણા કરી રહી છે. તે સર્વસંમતિ પર પહોંચ્યા બાદ જ આ અંગે પગલુ ભરવામાં આવશે.

મોટાભાગની વસ્તીને કોરોનાથી મુકત કરવા તે અંગે કોવિડ-૧૯ માટેની વેકસીન એડમિનિસ્ટ્રેશન બાબત પરનું નેશનલ એકસપર્ટ ગ્રુપ એક વિગતવાર રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. હર્ષ વર્ધન સન્ડે સંવાદ કાર્યક્રમમાં પ્રશ્નોના જવાબ આપતા આ માહિતી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર રસીના માનવીય પરિક્ષણો કરવામાં સંપૂર્ણપણે સાવધાની દાખવી રહી છે.

રસીની સુરક્ષા, ખર્ચ, પારદર્શિતા, કોલ્ડ-ચાઈનની જરૂરિયાત, ઉત્પાદનની સમય સીમા વગેરે જેવા મુદ્દા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે જેમને ખૂબ જ જરૂર છે તેમના માટે સૌ પહેલા રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તે માટે નાણાં ચુકવણીની બાબત અસ્થાને રહેશે. સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે યુકેમાં ઓકસફોર્ડ યુનિવર્સિટીની રસી લેનારમાં કેટલીક જટિલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ રસીને બાદમાં પરિક્ષણ માટે પુનઃ મંજૂરી આપી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે તેનો પહેલો ડોઝ લેવામાં ખુશી થશે, જેથી કોઈને એવું ન લાગે કે તેના પર વિશ્વાસ કરી ન શકાય. સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં ચાલી રહેલી રસીના પરીક્ષણ તથા તેમાં શુ પ્રગતિ થઈ છે તે અંગે પણ જાણકારી આપી હતી.

રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૯૪,૩૭૨ નવા કેસ નોંધાયા છે અને ૧,૧૧૪ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૪૭,૫૪,૩૫૭ કેસ થઈ ગયા છે. જેમાંથી ૯,૭૩,૧૭૫ એકિટવ કેસ છે. જયારે અત્યાર સુધીમાં ૩૭,૦૨,૫૯૬ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૩૯૯ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૭૮,૫૮૬ લોકો મૃત્યુ પામ્યા છે. દેશનો રિકવરી રેટ ૭૭.૮ ટકા થયો છે. જયારે મોતનું પ્રમાણ ૧.૭ ટકા છે.

(11:55 am IST)