Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા સુપ્રિમ કોર્ટ હસ્તક્ષેપ કરે : થઇ અરજી

કેન્દ્ર -રાજ્યો માટે એક ખાસ કમીટી નિમવા માંગણી

નવી દિલ્હી,તા.૧૪ :દેશમાં વધતા ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે હવે સુપ્રીમકોર્ટને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને આને માટે એક નિષ્ણાંત સમિતિ રચવાનો આદેશ આપે. આ સમિતિ વૈશ્વીક ભ્રષ્ટાચાર ધારણા સૂચંકાંકમાં ભારતના 'અશોભનીય રેંકીગ'ને સુધારવા માટે જરૂરી પગલાઓ લેવાની સલાહ આપશે.

અરજદારે કહ્યું કે, ભારત આ વર્ષે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (સીપીઆઇ)માં ૧૮૦ દેશોમાં ૮૦ મા સ્થાને રહ્યુ હતું. નિષ્ણાંત અનુસાર, આ સૂચકાંક ટ્રાંસપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે આ દેશોમાં જાહેર ક્ષેત્રોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના સ્તરના આધારે કરાય છે.સુપ્રિમ કોર્ટમાં આ જાહેર હિતની અરજી ભાજપા નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાપ દ્વારા દાખલ કરાઇ છે.

તેમણે સુપ્રીમ કોર્ટને નિષ્ણાંતોની એક સમિતિ રચવાની માંગણી કરી જે ભ્રષ્ટાચાર ધારણા  સૂચકાંકમાં પહેલા ૨૦ દેશોમાં સામેલ દેશોમાં ભ્રષ્ટાચાર વિરોધી ઉપાયોનું અધ્યયન કરે અને રિશ્વતખોરી અને કાળુ નાણુ વગેરે વિરૂધ્ધ લેવાયેલા પગલાઓને ધ્યાનમાં લે. વકીલ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરાયેલ આ અરજીમાં ભારતના કાયદા અને ગૃહ મંત્રાલય તથા કાયદા અને ન્યાય મંત્રાલયને પણ પક્ષકાર બનાવાય છે.

(11:54 am IST)