Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

એકબાજુ કોરોના છે તો બીજી તરફ કર્તવ્ય છે

આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર પૂર્વે પીએમ મોદીએ કર્યું સંબોધન : સત્રમાં ચીન - કોરોના - કંગના - અર્થતંત્ર સહિતના મુદ્દે હંગામો થવાના એંધાણ : બંને ગૃહની બેઠકો અલગ અલગ સમયે

નવી દિલ્હી તા. ૧૪ : દિલ્હીમાં આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. ૨૦ વર્ષમાં પહેલીવાર સર્વદળીય બેઠક યોજાઈ નથી સત્ર શરૂ થયા પહેલા જ લોકસભા-રાજયસભાના તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજ અને વધુ એક સાંસદના નિધનના કારણે લોકસભાની સંક્ષિપ્ત કાર્યવાહી થશે. રાજયસભામાં ઉપસભાપતિની ચૂંટણી આજે થવાની છે જેમાં એનડીએના હરિવંશ અને વિપક્ષના સંયુકત ઉમેદવાર મનોજ ઝા વચ્ચે મુકાબલો છે. સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હિન્દી દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે હિન્દી દિવસ પર તમને બધાને ખુબ ખુબ શુભકામનાઓ. આ અવસરે હિન્દીના વિકાસમાં યોગદાન આપી રહેલા તમામ ભાષાવિદોને મારા હાર્દિક અભિનંદન. તેમણે કહ્યું કે આજે આપણી સેનાના વીર જવાનો સરહદ પર ખડેપગે છે. હિંમત સાથે, જુસ્સા સાથે, દુર્ગમ પહાડીઓ પર અડીખમ છે. થોડા સમય બાદ બરફવર્ષા પણ શરૂ થશે. કપરા સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક બાજુ કોરોના છે અને બીજી બાજુ કર્તવ્ય. સાંસદોએ કર્તવ્ય પથ પસંદ કર્યો છે. હું તેમનો આભાર વ્યકત કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકસભા અને રાજયસભા અલગ અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સંસદ ચાલશે. તમામ સાંસદો તેની સાથે સહમત છે.

સવારે ૯થી ૧, બપોરે ૩થી ૭ સુધી ગૃહની કાર્યવાહી ચાલશે. આ વખતે સંસદમાં રાજયસભા અને લોકસભાની બેઠક અલગ-અલગ સમય મળશે.. કોવિડ-૧૯ મહામારીના કારણે આ વર્ષે ચોમાસું સત્રનું આયોજન કરવું એક પડકાર હતો, પરંતુ આ ઐતિહાસિક હશે. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈને એક ઓકટોબરે સમાપ્ત થશે. આ સત્રમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ સત્રમાં શૂન્યકાળ અડધા કલાકનો હશે અને કોઈ પ્રશ્નકાળ નહીં હોય. જો કે લેખિતમાં પ્રશ્નો પુછી શકાશે અને તેનો જવાબ મળશે.

આ સત્રમાં લોકસભા અને રાજયસભામાં અંતર જાળવીને બેસવાની વ્યવસ્થા પણ સામેલ છે. જેના માટે બે ચેમ્બરો અને ગેલેરીનો ઉપયોગ કરવામાં આવશે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે લોકસભા હોલમાં ૨૫૭ સભ્યો બેસશે જયારે લોકસભા ગેલેરીમાં ૧૭૨ સભ્યો હશે. રાજયસભામાં ૬૦ સભ્યો અને રાજયસભા ગેલેરીમાં ૨૧ સભ્યોના બેસવાની વ્યવસ્થા છે. સાથે જ સંસદમાં કાગળના બદલે ડિજિટલ માધ્યમના ઉપયોગ પર ભાર મુકવામાં આવશે.  સત્રમાં આ વખતે એક પણ રજા નહી હોય એટલે કે કુલ ૧૮ બેઠક યોજાશે.

વિપક્ષ ચીન મુદ્દો, રોગચાળા અને આર્થિક પરિસ્થિતિ અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોરોના મહામારીમાં સંસદનું ચોમાસું સત્ર નવા રૂપમાં યોજવામાં આવી રહ્યું છે. ઘણા મહત્વપૂર્ણ વટહુકમો બીલના રૂપમાં પસાર કરવાના છે. સત્ર દરમિયાન લેવાયેલા મહત્વના વટહુકમોમાં રોગચાળા રોગ સુધારણા અધ્યાદેશ -૨૦૨૦, વાણિજિયક બાબતો અને સુવિધાયુકત વટહુકમ ૨૦૨૦, ખેડૂત અધિકારીતા અને સુરક્ષા કરાર ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ વટહુકમ ૨૦૨૦ નો સમાવેશ થાય છે. સત્ર દરમિયાન સાંસદોના પગાર અને ભથ્થાને લગતા વટહુકમની રજૂઆત પણ કરવામાં આવશે.

(2:25 pm IST)