Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કંગના રનોટે મુંબઈનું અપમાન કર્યુ તો અક્ષય કુમાર જેવા કલાકારો કેમ ચૂપ?

મુખપત્ર 'સામના' દ્વારા શિવસેનાનો બોલીવુડ પર શાબ્દિક પ્રહાર

મુંબઇ, તા.૧૪: અભિનેત્રી કંગના રનોટ અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શરૂ થયેલું યુદ્ઘ હવે જાણે બોલીવુડ અને શિવસેનાનું યુદ્ઘ થઈ ગયું હોય તેવું લાગે છે. શિવસેનાના મુખપત્ર 'સામના'માં ફરી એકવાર કંગના રનોટ, બોલીવુડ તથા ભાજપ પર શાબ્દિક હુમલા કરવામાં આવ્યા છે. અભિનેત્રી પર મુંબઈનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. 'સામના'માં કહેવામાં આવ્યું છે કે, કંગના રનોટે મુંબઈ પોલીસની તુલના બાબર સાથે કરી, શહેરને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહ્યું પરંતુ બોલીવુડના મોટાભાગના સ્ટાર્સ ચૂપ રહ્યા. તે લોકોએ એક વાર પણ એ સ્પષ્ટતા ના કરી કે, કંગના રનોટના વિચારો આખા બોલીવુડના વિચારો નથી.

કંગના રનોટની સાથે સાથે 'સામના'માં અક્ષય કુમાર પર શાબ્દિક હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, મુંબઈએ અક્ષય કુમારને ઘણું જ આપ્યું છે. તેણે પોતાના સપનાઓ સાકાર કરીને આ શહેરમાં સફળતા મેળવી છે. જોકે, તે કંગના વિરુદ્ઘ એક શબ્દ પણ બોલતો નથી. મુંબઈનું અપમાન થતું રહ્યું પરંતુ તેણે વિરોધ કર્યો નહીં.

વધુમાં 'સામના'માં એમ પણ લખવામાં આવ્યું છે કે, બધા જ નહીં પરંતુ અડધા ફિલ્મ જગતે તો મુંબઈના અપમાનના વિરોધમાં આગળ આવવાની જરૂર હતી. કંગનાનો મત આખા ફિલ્મ જગતનો મત નથી, એવું બોલવાની જરૂર હતી. ઓછામાં ઓછા અક્ષય કુમાર વગેરે જેવા મોટા કલાકારોએ તો આગળ આવવાની જરૂર હતી.

શિવસેનાએ કંગના વિવાદને બહાને આખા બોલીવુડ પર સવાલ ઊભા કર્યા છે. જયારે પણ મુંબઈનું અપમાન થાય છે, કોઈ આ શહેર પર દુષ્કર્મ કરે છે, ત્યારે આ સ્ટાર્સ માથું ઝૂકાવીને બેસી જાય છે. તે અપમાન વિરુદ્ઘ એક શબ્દ બોલતા નથી. 'સામના'ના આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે, વિશ્વભરના પૈસાદાર લોકોના ઘર મુંબઈમાં છે. મુંબઈનું જયારે અપમાન થાય છે ત્યારે બધા જ માથું ઝૂકાવીને બેસે છે. મુંબઈનું મહત્ત્વ માત્ર પૈસા કમાવવા માટે જ છે. પછી મુંબઈ પર કોઈને કોઈ દુષ્કર્મ કરે તો પણ ચાલે. આ તમામે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે 'ઠાકરે'ના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. આથી જ રસ્તા પર ઉતરીને ભૂમિપુત્રોના સ્વાભિમાન માટે અડચણ ઊભી કરવાની આજે જરૂર નથી.

'સામના'માં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને ગ્રહણ લગાવવાનો પ્રયાસ ફરીવાર શરૂ થઈ ગયો છે. આ ગ્રહણ 'બહાર'ના લોકો લગાવી રહ્યા છે પરંતુ તેમને મજબૂત કરવા માટે આપણાં જ ઘરના લોકો આગળ આવ્યા છે. મુંબઈને પાકિસ્તાન કહેવામાં આવ્યું. મુંબઈનું અપમાન કરનારી એક નટી (અભિનેત્રી)ની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું તો BMCનો ઉલ્લેખ 'બાબર' તરીકે કરવામાં આવ્યો. મુંબઈને પહેલા પાકિસ્તાન અને પછી બાબર કહેનારાની પાછળ મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી છે. આને દુર્ભાગ્ય જ કહી શકાય.

કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને 'તું' કહીને સંબોધ્યા હતા. આ ભાષા સામે પણ 'સામના'માં આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે એક નટી (અભિનેત્રી) મુંબઈમાં બેસીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે તું-તારી જેવી ભાષા બોલે છે પરંતુ રાજયની જનતા કોઈ રિએકશન આપતી નથી. આ કેવી એકતરફી સ્વતંત્રતા?

'સામના'માં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જયારે કંગનાની ઓફિસના ગેરકાયદેસાર બાંધકામ પર બુલડોઝર ચાલે છે ત્યારે તે નાટક કરે છે અને ઓફિસને રામમંદિર કહે છે. તેણે પોતાનું આ ગેરકાયદેસર બાંધકામ તેને જાહેર કરેલા પાકિસ્તાનમાં જ કર્યું હતું. પહેલા મુંબઈને પાકિસ્તાન કહે છે અને પછી તે જ પાકિસ્તાનમાં ગેરકાયદેસર બાંધકામ પર સર્જિકલ સ્ટ્રાઈકલ થાય છે તો તે હોબાળો મચાવે છે. આખરે આ કેવી રમત છે? આખી ઈન્ડસ્ટ્રી નહીં પણ અડધા લોકોએ તો અવાજ ઊઠાવવાની જરૂર હતી.

(9:56 am IST)