Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સંસદ સત્રમાં :કોરોના, અર્થવ્યવસ્થા અને સરહદ વિવાદ અંગે મોદી સરકારને ઘેરવા વિપક્ષની તૈયારી શરૂ

કોંગ્રેસ ગૃહમાં રજૂ થનારા 11માંથી ચાર ખરડાનો વિરોધ કરશે

નવી દિલ્હીઃ કાલથી સંસદના શરૂ થનારા સત્રમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોદી સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે કહી દીધુ છે કે તે ગૃહમાં રજૂ કરવામાં આવનારા 11માંથી ચાર ખરડાનો વિરોધ કરશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે તેને આશા છેકે પીએમ મોદી વિપક્ષની ચિંતાઓનો જવાબ આપશે.

  કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ અન્ય સમાન વિચારધારાવાળા દળોના સંપર્કમાં છે અને અમે નિર્ણય કર્યો છે કે સંસદના બંને ગૃહોમાં ત્રણ કૃષિ સંલગ્ન ખરડા અને બેન્કિંગ વિનિયમન (સંશોધન) ખરડાનો મોટો વિરોધ કરશો. તેમણે જણાવ્યું હતું કે બધા દળો વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગના માધ્યમથી પણ વાતચીત થઈ રહી છે.

જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા કૃષિ અંગે લાવવામાં આવનારા ખરડા દ્વારા એમએસપી અને જાહેર ખરીદીને નબળી પાડવામાં આવનાર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કૃષિ અંગેના ત્રણ ખરડા ખેતી અને ખેડૂતની બરબાદી નોતરનારા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે આ ખરડાઓને લઈને રાજ્ય સરકારો સાથે ચર્ચા પણ કરવામાં આવી નથી. આ ખરડાને લઈને કેટલાય મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને પંજાબ વિધાનસભામાં તો તેની સામે પ્રસ્તાવ પણ પસાર થઈ ચૂક્યો છે.

જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષ ચોમાસુ સત્રમાં કોરોના રોગચાળા દરમિયાન થયેલા મિસમેનેજમેન્ટ, દેશની અર્થવ્યવસ્થા અને લડાખમાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર ચીનની આક્રમકતાને લઇને મોદી સરકાર પાસે સ્પષ્ટતા માંગશે. તેમણે જણાવ્યું હતું કે અમે બેરોજગારી, ગરીબી, એમએસએમઇ, વ્યાપાર વગેરેને લઈને લોકસભામાં ચર્ચા ઇચ્છીએ છીએ. તેમણે આગળ જણાવ્યું હતું કે અમને આશા છે કે વડાપ્રધાન રાજ્યસભામાં અને લોકસભામાં રહેશે. જો કે વડાપ્રધાન સામાન્ય રીતે આવતા નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તે ગૃહમાં હાજર રહે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે સંસદનું આ સત્ર વિચિત્ર સ્થિતિમાં શરૂ થઈ રહ્યુ છે. દેશના લોકોની સાથે સાંસદોમાં પણ ડરનું વાતાવરણ છે. પરંતુ દેશ અને વિશ્વમાં સ્થિતિ બદલાઈ રહી છે અને તેના પર ચર્ચા કરવી જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે કોરોના, ભારત-ચીન લડાખમાં આમને-સામનો, ખરાબ જીડીપી, વધતો ફુગાવો, નવી શિક્ષણ નીતિ સહિતના ઘણા મુદ્દા છે જેના અંગે લોકો સાંભળવા માંગે છે અને સાંસદ ચર્ચા કરવા માંગે છે.

(12:00 am IST)