Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના : આજથી સંસદના ચોમાસા સત્રનો પ્રારંભ થશે

પૂર્વ સંધ્યાએ કરાયેલા ટેસ્ટમાં પ સાંસદ પોઝિટિવ : સત્રની શરૂઆત પહેલાં દરેક સાંસદોના કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે : સભ્યએ કોરોના દિશાનિર્દેશનું પાલન કરવું પડશે

નવી દિલ્હી, તા. ૧૩ : સંસદના ચોમાસું સત્રનો સોમવારથી પ્રારંભ થશે. આ વચ્ચે લોકસભાના પાંચ સાંસદો કોરોનાથી ચેપગ્રસ્ત બન્યા છે. સત્રની શરૂઆત પહેલાં દરેક સાંસદોના કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ સાંસદનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હજી અન્ય સાંસદોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

કોરના સંકટના કારણે આ વખતે સંસદ સત્ર ઘણું જ બદલાયેલું રહેશે. સત્ર દરમિયાન સાંસદોએ કોરોના દિશાનિર્દેશનું પાલન કરવું પડશે. આ વખતે લોકસભાની કાર્યવાહી ચાર કલાક ચાલશે, શૂન્યકાળની સમય મર્યાદા ઘટાડીને અડધી કલાકની કરી દીધી છે.

ઉપરાષ્ટ્રપતિના સચિવાલય તરફથી જણાવવામાં આવ્યું કે, સંસદના ચોમાસું સત્ર પહેલાં રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. દરેક સભ્યો સત્ર શરૂ થવાના ૭૨ કલાક પહેલા પોતાના કોરોના ટેસ્ટ કરાવી રહ્યાં છે . સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે દરેક સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.

મીડિયા અને પ્રોટોકોલ પ્રભાગના અધ્યક્ષે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ૩૦ ઓગસ્ટના રોજ પોસ્ટ કોવિડ સારવાર બાદ એમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. એ સમયે આપવામાં આવેલી સલાહ પ્રમાણએ તેમને હવે સંસદના સત્ર પહેલા એક-બે દિવસ માટે પૂર્ણ ટ્રિટમેન્ટ માટે એડમિટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે આગામી સત્રમાં બેરોજગારી, પ્રવાસી મજુરોની સ્થિતિ અને દેશમાં આર્થિક પરિદૃશ્યના મુદ્દે ચર્ચા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમે સરકારને આગ્રહ કર્યો છે કે સંસદમાં અમારી અવાજ સાંભળવામાં આવે. અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે ૧૫ સપ્ટેમ્બરે વેપાર સલાહકાર સમિતિની વધુ એક બેઠક બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવાનું છે. ૧૪ સપ્ટેમ્બરથી ૧લી ઓક્ટોબર સુધી ચાલનારું સંસદનું આ સત્ર સવારે ૯ થી બપોરે ૧ અને સાંજે ૩ થી રાત્રે ૭ વાગ્યા સુધી બે શિફ્ટમાં ચાલવાનું છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે સાવચેતીના ભાગરૂપે બધા જ સાંસદોના કોરોના ટેસ્ટ થયાં બાદ જ સત્ર શરૂ થશે અને કોરોનાના કારણે આ વખતે સત્ર ઘણું જ બદલાયેલું રહેશે.

(12:00 am IST)