Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

'અકિલા'ની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાનો બદઇરાદો...પખવાડીયામાં બે વખત ખોટા સમાચાર વાયરલ કર્યાઃ સાયબર ક્રાઇમમાં ફરિયાદ

લાખો વાંચકો ધરાવતું પ્રતિષ્ઠાભર્યુ, વિશ્વસનિય, તટસ્થ અખબારના નામે ગેરકાનૂની કૃત્ય આચરાનારાને શોધવા સાયબર ક્રાઇમ ટીમનો ધમધમાટઃ એક વખત રાજકોટની મુખ્ય બજારો બંધ રહેશે તેવો મેસેજ અને બીજી વખત અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટમાં સોમવારથી લોકડાઉન...મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે અકિલાની વાતચીત...તેવો ખોટો મેસેજ વ્હોટ્સએપ ગ્રુપમાં વહેતો કરાયો

રાજકોટ તા. ૧૪: ઇન્ટરનેટ અને સોશિયલ મિડીયાનો ઉપયોગ સર્વવ્યાપી અને સરળ બની ગયો છે. અત્યંત ઉપયોગી આ સેવાનો લોકો સદ્દઉપયોગ કરે તો ખુબ જ ફાયદાકારક બને છે. પરંતુ ઘણા લોકો આ સેવાનો દુરૂપયોગ કરતાં હોય છે. આવું કરવું એ સાયબર ક્રાઇમ ગણાય છે. સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિક 'અકિલા'ના નામે છેલ્લા એક પખવાડીયામાં બબ્બે વખત કોઇ વિઘ્નસંતોષીએ કે પછી અકિલા દૈનિકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો બદઇરાદો ધરાવતાં નફફટે ખોટા સમાચારો સોશિયલ મિડીયા વ્હોટ્સએપ મારફત વાયરલ કરી સમાજમાં, લોકોમાં, અકિલાના લાખો વાંચકોમાં ખોટો મેસેજ જાય અને લોકો ગભરાઇ જાય તેવું હિન કૃત્ય કર્યુ છે. આ મામલે અકિલા મારફત રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં આવુ કૃત્ય આચરનારાને શોધી કાઢવા દીધો છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી

સાંધ્ય દેનિક 'અકિલા'ના નામથી કોઇએ તા. ૧૨-૦૯-૨૦ના શનિવારે અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં એકે ખોટો મેસેજ વાયરલ કરી દીધો હતો. જેમાં અમદાવાદ-સુરત-વડોદરા અને રાજકોટમાં બુધવાર સુધી લોકડઉનઃ કોરોનાના મુકાલબા માટે સરકાર સજ્જ...મોડી રાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે અકિલાની વાતચીત...આવો ખોટો મેસેજ વાયરલ કરી દીધો હતો. ખોટો અને અફવા ફેલાવતો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. જેણે આ કર્યુ છે તે મલિન ઇરાદાથી, ખોટી અફવા ફેલાવવાના સમાજ વિરોધી હેતુથી કર્યુ હોવાનું જણાય છે.

વર્ષોથી અકિલા દૈનિક પ્રસિધ્ધ થઇ રહ્યું છે અને લાખો વાચકો અને ચાહકો છે. અકિલા એ સમાજમાં ખુબ જ પ્રતિષ્ઠાભર્યુ, વિશ્વસનિય, તટસ્થ દૈનિકની મોટી શાખ ધરાવે છે. અકિલા સાંધ્ય દૈનિકની આ પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાના બદઇરાદાથી કોઇ ઇસમોએ સદરહુ ગેરકાનૂની કૃત્ય આચર્યુ છે અને તેની સામે તાત્કાલિક ધોરણસર કાનૂની પગલા ભરવા લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખોટો મેસેજ અફવા રૂપે સમાજ વિરોધી અને દેશ વિરોધી વાયરલ કરવામાં આવ્યો છે. તદ્દન ખોટો મેસેજ જે શનિવારે ૧૨-૦૯-૨૦ના રોજ વ્હોટ્સએપના જુદા-જુદા ગ્રુપમાં વાયરલ થયો તે પૈકીના અમુક સ્ક્રીનશોટ અમે પ્રાપ્ત કરી ફરિયાદ સાથે જોડ્યા છે. આ અંગે તપાસ કરી ખોટો મેસેજ વાયરલ કરનાર જે કોઇ હોય તેને શોધી કાઢી નશ્યત પહોંચાડવા ફરિયાદમાં જણાવાયું છે.

આ પહેલા  પણ આ પ્રકારનો એક રાજકોટની મુખ્ય બજારોમાં લોકડાઉન...તેવા મથાળા સાથેનો ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. તે અંગેની અરજી પણ અમે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તા. ૦૬-૦૯-૨૦ના રોજ આપી હતી. ત્યાં બીજો અત્યંત ગંભીર પ્રકારનો ખોટો મેસેજ ૧૨-૦૯ના રોજ વાયરલ કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી શ્રી પ્રવિણકુમાર મીણા, એસીપી સાયબર ક્રાઇમ શ્રી પલાસાણાની રાહબરીમાં ટીમોએ તપાસ શરૂ કરી છે.

(2:25 pm IST)