Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

બે દિવસ બાદ હોંગકોંગ એરપોર્ટ ફરી શરૂ ભારતીય નાગરિકોને ત્યાં ન જવા સલાહ

હોંગકોંગમાં છેલ્લા અઢી મહિનાથી રાજકીય કટોકટીઃ પ્રદર્શનકારીઓએ સરકારની મુશ્કેલી વધારી છેઃ સ્થિતિ સામાન્ય થવા સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવોઃ ભારતીય એમ્બેસી : ચીન સરકાર સરહદ પર સૈનિકો વધારી રહી છે દરેક લોકો શાંતિ જાળવોઃ ટ્રમ્પનું ટ્વીટ

બેઈજિંગઃ હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી સર્જાઈ હતી. એરપોર્ટ ઉપર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે. મુસાફરોના ઘસારાથી એરલાઈન્સ પરેશાન થઈ ગઈ છે. ભારત સરકારે દેશવાસીઓને હોંગકોંગ ન જવાની સલાહ આપી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે ચીન સરકાર હોંગકોંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે. તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ.

ચીનની સરકારે હોંગ કોંગ પ્રશાસનને કડક કાર્યવાહી કરવા માટે કહ્યું છે અને શહેરની બોર્ડર પર બખ્તરથી સજ્જ ગાડીઓ તહેનાત કરી દીધી છે. બીજી તરફ અમેરિકા, ભારત સહિત અન્ય ઘણા દેશોએ પણ આ મામલા અંગે પ્રતિક્રિયા આપી છે અને એડવાઈઝરી જાહેર કરી છે.

ભારતીય દૂતાવાસે પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી નોટિસમાં લખ્યું કે, નાગરિકોએ કરેલા પ્રદર્શનના કારણે હોંગ-કોંગ એરપોર્ટ પર વિમાનોનું સંચાલન ૧૨ ઓગષ્ટે ગંભીર રીતે અટવાયું છે. ૧૩મી ઓગષ્ટે વિમાનની અવરજવર શરૂ થવાની સંભાવના હતી પણ હવે જો પ્રદર્શન જોર પકડશે તો ફ્લાઈટ સંચાલનમાં વિલંબ આવી શકે છે અથવા તો ફ્લાઈટ્સ રદ પણ થઈ શકે છે. અહીં તમામ ભારતીયોને આદેશ આપવામાં આવે છે કે જયાં સુધી એરપોર્ટ પર વિમાનોનું સંચાલન સામાન્ય ન થઈ જાય, ત્યાં સુધી પરિસ્થિતીથી બચવાના વૈકલ્પિક માર્ગોથી યાત્રા કરશો.

હોંગકોંગ એરપોર્ટ પર ૨૬ કલાક પછી ફ્લાઈટ જવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓના વિરોધને પગલે અન્ય ઉડાન પ્રભાવિત થઈ હતી. હોંગકોંગની નેતા કેરી લેમે કહ્યું કે, પ્રદર્શનકારીઓ શહેરની સિસ્ટમ ખોરવી નાંખવા માંગે છે. બીજી તરફ, ભારત સરકારે ભારતીયોને હોંગકોંગ નહીં જવાની સલાહ આપી છે.

હિંસક થતા આ પ્રદર્શનના કારણે દુનિયાના અન્ય દેશો પણ સતર્ક થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, 'તેમના ઈન્ટેલિજેન્સ રિપોર્ટ પ્રમાણે, ચીન ઈન્ટરનેશલ બોર્ડર પાસે સેનાને તહેનાત કરી શકે છે, જેથી પ્રદર્શનકારીઓ પર એકશન લઈ શકાય. દરેક લોકો શાંતિ જાળવે.'

આ પહેલા ચીનના વિશેષ પ્રશાસિત વિસ્તાર હોન્ગ કોન્ગમાં છેલ્લા બે મહિનાઓથી લોકતંત્રની માગ અંગે પ્રદર્શન ચાલી રહ્યું છે. જો કે ૧૯૯૭ પહેલા આની પર બ્રિટેનનો અધિકાર હતો પરંતુ બાદમાં તેને ચીનને સોંપી દીધો હતો. ત્યારથી અહીં પ્રદર્શન થઈ રહ્યું છે. હાલ પ્રત્યર્પણ બિલ અંગે પ્રદર્શન થઈ રહ્યું છે. આ બિલ પ્રમાણે, જો કોઈ વ્યકિત ચીનમાં અપરાધ કરીને હોન્ગ કોન્ગમાં શરણ લે તો તેને તપાસ પ્રક્રિયા માટે ચીન જવું પડશે. તેના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન થઈ રહ્યું છે.

(3:33 pm IST)
  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST

  • જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST