Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ મેળવવા માટે કોવિડ ટેસ્ટની શરત દૂર કરો : ડોકટરોની માંગ

રિપોર્ટની રાહ જોઈ રહેલા અને ખોટા-નેગેટિવ રિપોર્ટ ધરાવનારા દર્દીઓને પણ આ દવાની જરૂર પડે : ડોકટરોની દલીલ

નવી દિલ્હ : ઇન્ડિયન મેડિકલ અસોસિએશને રાજય સરકારને ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઇન્જેકશન્સ પ્રાપ્ત કરવા માટે કોવિડના દર્દીઓના રિપોર્ટ બનાવવા ફરજિયાત હોવાની શરત દૂર કરવા જણાવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી (એફડીએ)એ આ દવાઓના કાળાબજાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને એની ખરીદી માટે માર્ગદર્શિકા જારી કરી છે, જે હેઠળ કોવિડનો રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ ડોકટરો જણાવે છે કે રિપોર્ટની રાહ જોઈ રહેલા અને ખોટા-નેગેટિવ રિપોર્ટ ધરાવનારા દર્દીઓને પણ આ દવાની જરૂર પડે છે.

દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી હજી ટ્રાયલ્સ ચાલી રહી હોવા છતાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવીરની રાજયમાં, ખાસ કરીને એમએમઆર પ્રદેશમાં ભારે માગ છે. આ દવાઓની તંગી પ્રવર્તી રહી છે ત્યારે કાળા બજારમાં એ ઊંચા ભાવે ઉપલબ્ધ છે. એફડીએએ શનિવારે માર્ગદર્શિકા જારી કરીને આ દવાઓના ન્યાયિક ઉપયોગની સલાહ આપી હતી. એફડીએની માર્ગદર્શિકાઓ અનુસાર હોસ્પિટલોએ દવાની માગણી કરતી વખતે પ્રિસ્ક્રિપ્શન, કોવિડનો રિપોર્ટ અને દર્દીનું આધાર કાર્ડ રજૂ કરવું પડે છે.

દવાના કાળા બજાર અટકાવવા માટે આ સારૂ  પગલું છે, પરંતુ રાજય સરકારે એની તંગી તરફ પણ ધ્યાન આપવું જોઈએ. રાજયના આંકડાઓ અનુસાર, આશરે એક લાખ એકિટવ કેસ છે, જેમાંથી ૨૦ ટકા એટલે કે ૨૦,૦૦૦ દર્દીઓને શ્વાસની તકલીફ છે, ઓકિસજન સપ્લાયની તથા રેમડેસિવિરની જરૂર છે. દરેક દર્દીને છ ઇન્જેકશનની જરૂર પડે છે અને અમને આ દવા કયાંય મળી નથી રહી, એમ આઇએમએના ડો. અવિનાશ ભોંડવેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજયમાં દર્દીઓની સંખ્યા ઘણી ઊંચી હોવાથી તેણે પૂરતા દવાના પુરવઠા પર ભાર મૂકવો જોઈએ. જો સપ્લાય શરૂ થઈ જશે તો ભયનો માહોલ અને કાળાબજાર આપોઆપ ઘટી જશે.

(4:27 pm IST)