Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમેરિકાએ સાઉથ ચાઈના સી પર ‘ડ્રેગન’ના દાવાને ફગાવ્યો : બન્ને દેશોની સેના સામ-સામે

દુનિયા દક્ષિણ ચીન સાગરને ચીનનું જળ સામ્રાજ્ય નહીં બનવા દે

વૉશિંગ્ટન: દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે, હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ ચાઈના સીમાં ડ્રેગનની દાદાગીરી વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકાએ સાઉથ ચાઈના સીમાં ચીનના દાવાને ફગાવી દીધો છે.

આ અંગે અમેરિકન વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોનું કહેવું છે કે,“ ‘ડ્રેગન’ સાઉથ ચાઈના સીમાં અન્ય દેશો પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમાં અમેરિકા ચીનને સફળ નહીં થવા દે. દુનિયા દક્ષિણ ચીન સાગરને ચીનનું જળ સામ્રાજ્ય નહીં બનવા દે. સાઉથ ચાઈના સી પર કબ્જો જમાવવાનો ચીનનો પ્રયત્ન ગેરકાયદેસર છે.

માઈક પોમ્પિયોએ પોતાના નિવેદનમાં સાઉથ ચાઈના સીમાં વિવાદિત સ્પાર્ટલી દ્વિપ પર ચીનના દાવાનો વિરોધ કર્યો છે. અમે દરિયાઈ સ્વતંત્રતાના સમ્માન માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે ઉભા છીએ. અમેરિકા પોતાના દક્ષિણ-પૂર્વ એશિયન સહયોગી અને ભાગીદારોને જળ વિસ્તારના અધિકારની રક્ષા માટે અને આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત તેમના અધિકારો માટે સાથ આપશે.”

 અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર પોતાનો દાવો કરતું આવ્યું છે. ચીન અહીંના માનવ નિર્મિત દ્વિપો પર સૈન્ય મથક બનાવી રહ્યું છે. આ વિસ્તારમાં તાઈવાન, ફિલીપિન્સ, બ્રુનેઈ, મલેશિયા અને વિયેતનામ પણ પોતાનો દાવો કરતા રહ્યાં છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક સપ્તાહથી અમેરિકા અને ચીનની સેના સાઉથ ચાઈના સીમાં સતત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. જો કે આ પ્રથમ વખત છે, જ્યારે બન્ને દેશોની સેનાઓ એક જ સમયે યુદ્ધનો અભ્યાસ કરી રહી હોય.

ઈન્ડોનેશિયા અને વિયતનામની વચ્ચે આવતો દરિયાઈ વિસ્તાર અંદાજે 35 લાખ વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલો છે. જેના પર ચીન, ફિલિપીન્સ, વિયતનામ, મલેશિયા, તાઈવાન અને બ્રુનેઈ પોત-પોતાનો દાવો કરતા આવ્યા છે. કુદરતી ખજાનાથી ભરપુર આ દરિયાઈ વિસ્તારમાં સમુદ્રી જીવોની સેંકડો પ્રજાતિઓ મળી આવે છે.

એક દાયકા પહેલા આ વિસ્તારને લઈને વધારે વિવાદ નહતો, પરંતુ થોડા વર્ષોમાં ચીને પોતાના મેલા મનસૂબા પાર પાડવા માટે રણનીતિમાં બદલાવ કર્યો અને અહીં ગેરકાયદેસર નિર્માણ શરૂ કરી દીધું. ચીન અહીંના દરિયામાં ખોદકામ કરવા લાગ્યું અને દરિયાના પેટાળમાં રહેલા ખનીજ પદાર્થો પર કબ્જો કરવા લાગ્યું. જેને લઈને અનેક દેશોએ વિરોધ ઉઠાવ્યો હતો.

અમેરિકાનું આ પગલું સાઉથ ચાઈના સીમાં પાડોશી દેશો પ્રત્યે ચીનની વધતી આક્રમક્તા પર લગામ લગાવવા માટે અને આંતરરાષ્ટ્રીય કાયદાને માન્યતા આપવા તરીકે જોવામાં આવી રહ્યુ છે. અમેરિકાના પગલાથી બન્ને દેશો વચ્ચેના સબંધોમાં વધારે તનાવ ઉભો થવાની સંભાવના વધી ગઈ છે. હવે ચીન પણ અમેરિકા ઉપર ભડક્યું છે અને અમેરિકન પ્રતિબંધોના વિભિન્ન પ્રકારે પલટવાર કરી રહ્યું છે.

(12:06 pm IST)