Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ભારતની રજૂઆત શું રહી

કોરિડોરનો ઉપયોગ વહેલીતકે કરવાની માંગણી

દ્વિપક્ષીય સંબંધોમાં જારી ખેંચતાણની વચ્ચે કરતારપુર કોરિડોરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહત્વપૂર્ણ વાતચીત થઇ હતી. આ વાતચીતમાં ભારત દ્વારા કરવામાં આવેલી અનેક માંગણીઓને સ્વીકાર કરવાની પાકિસ્તાને તૈયારી દર્શાવી હતી. સાનુકુળ માહોલમાં આ વાતચીત યોજાઈ હતી. વાતચીતમાં ભારતે પોતાની તમામ માંગ સ્પષ્ટરીતે રજૂ કરી હતી. પાકિસ્તાન પણ રાવી નદી પર પુલ સહિત અનેક માંગણીઓ ઉપર સહમત થયું હતું. બેઠક દરમિયાન ભારત તરફથી કેટલીક રજૂઆતો કરી હતી. ભારત તરફથી કરાયેલી રજૂઆત નીચે મુજબ છે.

*   દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળુઓને દર્શનની મંજુરી આપવા માટેની રજૂઆત

*   ખાસ સંજોગોમાં અને અવસરો ઉપર ૧૦૦૦૦ વધારાના શ્રદ્ધાળુઓને મંજુરી આપવાની પણ રજૂઆત

*   તેમના ધર્મના આધાર પર શ્રદ્ધાળુઓને લઇને કોઇ અડચણો ઉભી થવી જોઇએ નહીં

*   માત્ર ભારતીય નાગરિકો માટે જ નહીં બલ્કે ભારતીય મૂળના લોકો જેમાં ઓસીઆઇ કાર્ડ ધારકો છે તેમને પણ કરતારપુર કોરિડોરની સુવિધા મળવી જોઇએ

*   ભારતીયોની અવરજવર વિઝા ફ્રી હોવી જોઇએ અને પાકિસ્તાને કોઇપણ પરમિટ સિસ્ટમ રજૂ કરવા અથવા તો કોઇ ફી અંગે ફરી વિચારણા કરવી જોઇએ

*   સપ્તાહના સાત દિવસ અને સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓને મંજુરી મળવી જોઇએ

*   શ્રદ્ધાળુઓને ગ્રુપમાં અથવા તો વ્યક્તિગતો તરીકે કરતારપુર કોરિડોરની યાત્રા કરવાની તક મળવી જોઇએ

*   પવિત્ર સ્થળની યાત્રા કરવા શ્રદ્ધાળુઓને ચાલતા જવાની પણ તક હોવી જોઇએ

*   શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ અથવા તો લંગરના વિતરણ માટે અને તૈયારી માટે તક મળવી જોઇએ

*   સુરક્ષાના મામલે ભારતીય શ્રદ્ધાળુઓને તમામ સુવિધા મળવી જોઇએ

*   પાકિસ્તાનમાં સ્થિત સંગઠનો અને વ્યક્તિગતો કોઇ અડચણો ઉભી ન કરે તેની ખાતરી કરવી જોઇએ

(7:50 pm IST)