Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ભાગલાવાદીઓએ આપેલા બંધના એલાનના કારણે આજે અમરનાથ યાત્રા અટકાવી દેવાઇ : સેના દ્વારા તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની મનાઇ કરી દેવામાં આવી છે

 

જમ્મુ: ભાગલાવાદીઓએ આપેલા બંધના એલાનના કારણે આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની મંજૂરી અપાઈ નથી. પોલીસે આ જાણકારી આપી. પોલીસ સૂત્રએ જણાવ્યું કે અલગાવવાદીઓએ આપેલા બંધના એલાન બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુથી શ્રીનગર થઈ રહેલી તીર્થયાત્રીઓની અવરજવર આજે સ્થગિત રહેશે.

વર્ષ 1931માં ડોગરા મહારાજની સેનાતરફથી  શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની યાદમાં જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈનો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે.

આ બાજુ રાજ્ય સરકાર આ દિવસને 1947માં આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે સન્માન તરીકે મનાવે છે. એક જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની વાર્ષિક તીર્થયાત્રામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અત્યાર સુધી બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. આ વર્ષે 15મી ઓગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ અમરનાથ યાત્રા સમાપ્ત થશે.

અમરનાથ યાત્રામાં બે યાત્રીઓના શુક્રવારે મોત થયા હતાં. પોલીસ  સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાતના 65 વર્ષના શ્રીકાંત દોશી અને ઝારખંડના 55 વર્ષના શશિકુમારનું શુક્રવારે મોત થયું.

(12:06 pm IST)