Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સરકાર ફયુલ-ફર્ટીલાઇઝર સબસીડીમાં ૬ર૦૦૦ કરોડનું ચૂકવણુ ટાળશે

ર૦૧૯-ર૦ માં રાજકોષીય ખાધને જીડીપીના ૩.૪ ટકા પર રાખવાના લક્ષ્યાંકતે પાક પાડવા માટે : આ વર્ષે આવક ઘટશે અને ખર્ચ વધવાની ધારણાઃ કલ્યાણકારી યોજનાઓ પાછળ પણ વધુ ખર્ચ કરવો પડશે : ૮ વર્ષથી યુરિયાના ભાવ વધારાયા નથી

નવી દિલ્હી તા. ૧૪ :.. ર૦૧૯-ર૦ માં રાજકોષિય ખાધને જીડીપીના ૩.૪ ટકા પર રોકવાના પડકાર રૂપ લક્ષ્યને હાંસલ કરવાના ચક્કરમાં નરેન્દ્રભાઇ મોદી સરકાર ફયુલ અને ખાતર સબસીડીમાં લગભગ ૬ર૦૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ ટાળી શકે છે. આ પેમેન્ટ ર૦ર૦-ર૧ ના વર્ષ સુધી ટાળી શકાય છે. સબસીડીની બાકી રકમ આવતા વર્ષ સુધી ટાળવાનું જરૂરી થઇ ગયું છે. કેમ કે કેન્દ્રને આ વર્ષે કરની આવકમાં ઘટાડો થવાની અને ખર્ચો વધવાની આશંકા છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ આ લોકસભા ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કેટલીક કલ્યાણકારી યોજનાઓના વચન આપ્યા હતાં. જેને પુરા કરવા માટે વધારાની રકમ ખર્ચવી પડશે.

ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે સરકારી અને ખાનગી ફર્ટીલાઇઝર કંપનીઓને સબસીડીના બદલામાં લગભગ ૧.૧ર લાખ રૂપિયાની જરૂર છે. તેમાં ચાલુ વર્ષના લગભગ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા અને ગયા વર્ષના ૩ર૦૦૦ કરોડ રૂપિયા બાકી રકમ પણ છે. ચાલુ નાણાંકીય વર્ષના વચગાળાના બજેટમાં ખાતર સબસીડી માટે ૭૪૯૮૬ કરોડ રૂપિયાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સુત્રોનું કહેવું છે કે સરકારી માલિકીની ત્રણ ઓઇલ કંપનીઓ ઇંડીયન ઓઇલ, ભારત પેટ્રોલીયમ અને ઓએનજીસીની સબસીડી કંપની હિંદુસ્તાન પેટ્રોલીયમ ને પણ સબસીડી માટે ૬૩૧૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. તેમાં ચાલુ વર્ષ માટે ૩૬૦૦૦ કરોડ અને ર૭૧૦૦ કરોડ રૂપિયા પાછલા બાકી છે. વચગાળાના બજેટમાં પેટ્રોલીયમ સબસીડી માટે ૩૭૪૭૬ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

પૂર્ણ બજેટની તૈયારીઓ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે વધારાના ખર્ચની જરૂર નહીં પડે તો સબસીડીના આંકડાઓમાં ફેરફાર થવાની શકયતા નથી. આનો મતલબ એવો થાય કે ૩૭૦૧૪ કરોડ રૂપિયાની ખાતર સબસીડી આગળ વધારવામાં આવશે અને પેટ્રોલીયમની રપ૬રર કરોડ રૂપિયાની સબસીડી આવતા નાણાકીય વર્ષ માટે ટાળવામાં આવશે. એક અધિકારીએ કહયું 'અમે કદાચ બાકી સબસીડીના મોટા હિસ્સાને આવતા વર્ષ માટે ટાળી દેશું. રોકાયેલું પેમેન્ટ આ વર્ષે શકય છે કે નહીં તે અંગે ચર્ચા થઇ ગઇ છે. પણ રાજકોષિય હાલત જોતા આ વિકલ્પ કારગત નથી.' અધિકારીઓનું કહેવું છે કે, ખાદ્ય સબસીડીમાં કોઇ મુશ્કેલી નથી.

સરકારે ખાદ્ય સબસીડી બીલોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય નાની બચત કોષમાં ઘટાડા પર ભાર મુકયો છે. ર૦૧૯-ર૦ માટે અંદાજીત ખાદ્ય સબસીડી ૧.૮૪ લાખ કરોડ રૂપિયા છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારો આવ્યા હતા કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં પોતાના પહેલા બજેટમાં રાજકોષિય ખાદ્યનું લક્ષ્ય જીડીપીના ૩.૪ ટકા પર રાખવા બાબતે ભાર મુકશે.

ખાતર ક્ષેત્રમાં વધતા બોજનું કારણ યુરિયામાં થઇ રહેલો વધારો છે જયારે ખાતરના ભાવમાં લગભગ આઠ વર્ષથી કોઇ વધારો નથી કરવામાં આવ્યો. બીજી તરફ, સરકાર દ્વારા બાકી રકમના પેમેન્ટ ન થવાથી ઓઇલ કંપનીઓના દેવામાં વધારો થયો છે. આવી જ પરિસ્થિતિ ગયા વર્ષે પણ જોવા મળી હતી. ત્યારે ઓઇલ કંપનીઓનું દેવુ માર્ચ ર૦૧૯ ના અંત સુધીમાં ૧.૬ર લાખ કરોડ રૂપિયાની પાંચ વર્ષની ઉંચાઇએ પહોંચી ગયું હતું.

(12:57 pm IST)