Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

કોલકતાના ડોકટરોની હડતાલ દેશના અન્ય ભાગોમાં પ્રસરી

સંખ્યાબંધ રાજયોમાં ડોકટરો હડતાલ ઉપર : દિલ્હીમાં એઈમ્સ - સફદરજંગના ડોકટરોએ કામ બંધ કર્યા

નવી દિલ્હી : કોલકતાની એક હોસ્પિટલના જુનિયર ડોકટર સાથે મારપીટના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. મમતા બેનરજીની ચેતવણી છતાં આજે પણ આ હડતાલ ચાલુ છે.

દરમિયાન દિલ્હી સહિત મહદઅંશે ભાજપ શાસિત અન્ય રાજયોમાં ડોકટરો હડતાલ ઉપર ઉતરી રહ્યાના - ઉતરી ગયાના હેવાલો મળે છે. દેશના બે સૌથી મોટી એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના ડોકટરો પણ આજે હડતાલ ઉપર ઉતરી ગયા છે.

મહારાષ્ટ્રના ડોકટરોએ પણ કોલકતાના ડોકટરોને સમર્થન આપેલ છે. મુંબઈ અનેક હોસ્પિટલોના ડોકટરો આજે પ્રતિક હડતાલ પાળી રહ્યા છે.

એવું બહાર આવ્યુ છે કે મમતાના સૌથી નજીકના વર્તુળો માની રહ્યા છે કે ડોકટરો સાથે દર્દીઓના સ્વાસ્થ્ય સંબંધે દેશના ઘણા રાજયોમાં આવા બનાવો બનતા હોય છે જે માટે પગલાઓ લેવાયા કે ખાત્રી પછી સમેટાય જતા હોય છે. તેના પડઘા અન્ય રાજયોમાં શરૂ થાય અને હડતાલ પૂરી થવા ન દેવાય તે પાછળ મોટી રાજકીય સાજીશ હોઈ શકે છે.

દિલ્હી મેડીકલ એસોસીએશને આજે કોલકતાના ડોકટરોના સમર્થનમાં મેડીકલ સેવાઓ બંધ રાખવા નિર્ણય જાહેર કર્યો છે.

મહારાષ્ટ્ર ઉપરાંત ઉ.પ્ર.માંથી પણ કોલકતાના ડોકટરોને સમર્થન મળ્યુ છે.

મમતા બેનરજીને ભીંસમાં લેવા ડોકટરોની હડતાલ મોટુ હથિયાર સાબિત થઈ રહ્યુ છે.

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આથી પણ મોટા ગંભીર બનાવો મેડીકલ ક્ષેત્રે બન્યા હોવા છતા દેશના અન્ય ભાગોમાં તેની અસર પહોંચી હોવાનું જવલ્લે જ બન્યુ હોવાનું ચર્ચાય છે.

(11:42 am IST)