Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

હુમલામાં ISIનો પણ હાથ

જે ત્રાસવાદીને અટલ સરકારે છોડી મુક્યો હતો, તેણે જ અનંતનાગ હુમલાને અંજામ આપ્યો

શ્રીનગર, તા.૧૪: ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, બુધવારે અનંતનાગમાં સીઆરપીએફ પર થયેલ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી મુશ્તાક અહમદ જરગર હોઈ શકે છે. અનંતનાગમાં થયેલ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. અને જમ્મુ કાશ્મીર પોલીસના ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાની જવાબદારી અલ ઉમર મુજાહિદ્દીન નામના સંગઠને લીધી છે, જેનો હેડ મુશ્તાક અહમદ જરગર છે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, પાકિસ્તાનની આઈએસઆઈની મદદથી જરગરે જૈશ અને હિઝબુલના આતંકીઓ મારફતે હુમલો કરાવ્યો હતો.

કેન્દ્રીય સુરક્ષામાં તહેનાત એક અધિકારીના કહેવા પ્રમાણે, અલ ઉમર મુજાહિદ્દીનનું કાશ્મીરમાં નેટવર્ક નથી, અને તેણે હુમલા માટે જૈશ અને હિઝબુલના આતંકીઓની મદદ લીધી હોય. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ સીઆરપીએફ કાફલાં પર હુમલામાં ૪૦ જવાન શહીદ થઈ ગયા હતા જે બાદ સીઆરપીએફ પર આ સૌથી મોટો હુમલો છે.

મુશ્તાક અહમદ જરગર કાશ્મીરી આતંકી છે, જેને ઈન્ડિયન એરલાઈન્સ આઈસી ૮૧૪દ્ગક હાઈજેકિંગના બદલામાં ભારતે છોડ્યો હતો. જરગરની સાથે જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહર અને ઉમર સઈદ શેખને ભારતે મુકત કર્યા હતા.

જરગર વિશે ખુફિયા એજન્સીઓને શંકા છે કે, તે બાલાકોટના જૈશ ટેરર કેમ્પમાં પણ આતંકીઓની ટ્રેનિંગમાં સામેલ છે. ભારતે પુલવામા હુમલા બાદ બાલાકોટના આ જ કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી.

(10:31 am IST)