Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કાંગારૂ સ્મગલિંગ મુદ્દે ઈન્દોરનું પ્રાણી સંગ્રહાલય સકંજામાં

હવે કાંગારૂની પણ સ્મગલિંગ થઈ રહી છે : બેની ધરપકડ થઈ હતી, તેમની પાસે ઈન્દોરના કમલા નેહરૂ ઝૂઓલોજિકલ પાર્ક દ્વારા જારી પરચેઝ ઓર્ડર હતો

નવી દિલ્હી, તા.૧૪ : દેશમાં દુર્લભ પ્રાણીઓની હેરાફેરી કોઈ નવી વાત નથી પરંતુ હવે કાંગારૂની પણ સ્મગલિંગ થઈ રહી છે. પશ્ચિમ બંગાળના સિલીગુડી નજીક ગયા મહિને ૨ કાંગારૂઓને બચાવી લેવામાં આવ્યા હતા. ત્રીજા કાંગારૂનું હાડપિંજર જંગલમાંથી મળી આવ્યું હતું. અગાઉ માર્ચમાં બંગાળ-આસામ બોર્ડર પરથી એક લાલ કાંગારૂને બચાવીને ૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  ચોંકાવનારી વાત એ છે કે, ઓસ્ટ્રેલિયાના આ રાષ્ટ્રીય પ્રાણીની સ્મગલિંગ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી સંગ્રહાલયમાંથી સામે આવી છે.

અહેવાલ પ્રમાણે, માર્ચમાં હૈદરાબાદના ૨ લોકોની કાંગારૂની સ્મગલિંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે ઈન્દોરના કમલા નેહરૂ ઝૂઓલોજિકલ પાર્ક દ્વારા જારી કરાયેલ 'પરચેઝ ઓર્ડર' હતો.  આ ઓર્ડરમાં લખવામાં આવ્યું હતું કે, આ કાંગારૂને મિઝોરમના બ્રુનેલ એનિમલ ફાર્મમાંથી લાવવામાં આવી રહ્યું છે.

ઈન્દોર પ્રાણીસંગ્રહાલયના ક્યુરેટર નિહાર પરૂલેકરે મોંગાબે સાથેની વાતચીતમાં આ કાંગારૂઓને ખરીદીને લાવવામાં આવ્યા હોવાનો ઈક્નાર કર્યો હતો. તેણે કહ્યું કે આ કાંગારૂઓને પ્રાણી સંગ્રહાલયને ભેટ તરીકે મોકલવામાં આવી રહ્યા છે. અમે એનિમલ ફાર્મને સ્પષ્ટ કહ્યું હતું કે, અમે તેમને કોઈ પૈસા નહીં આપીએ. જો કે, કાંગારૂ લાવવા પાછળ થયેલો ખર્ચ ભરપાઈ કરવામાં આવશે આ પહેલા પણ કરવામાં આવ્યું છે. મિઝોરમના આ ફાર્મ પહેલા પણ કેટલાક દુર્લભ પક્ષીઓને ઈન્દોર ઝૂમાં મોકલવામાં આવ્યા હતા.

ઈન્દોરના પ્રાણી સંગ્રહાલયે તેમને મિઝોરમના બ્રુનેલ ફાર્મમાંથી મેળવવા માટે પરચેસ ઓર્ડર જાહેર કર્યો હતો. હકીકતમાં કોઈ એવું પ્રાણી ફામ નથી કે જ્યાં કાંગારૂ પાળી શકાય. મિઝોરમના ચીફ વાઈલ્ડલાઇફ વોર્ડન કહે છે કે, મિઝોરમમાં કાંગારૂના ઉછેર માટે કોઈ ફાર્મ રજિસ્ટર્ડ નથી. તેથી કાંગારૂ ઉછેર ત્યાં કાયદેસર રીતે કરી શકાતો નથી.

વાઈલ્ડલાઈફ ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર રાહુલ દત્તા પણ કહે છે કે, મને નથી લાગતું કે મિઝોરમમાં કાંગારુ ઉછેરનો કોઈ પ્રકાર છે. સંભવીત આ કાંગારુઓ મ્યાનમાર અથવા થાઈલેન્ડ જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાંથી લાવવામાં આવ્યા હોવા જોઈએ. કારણ કે કાંગારૂઓને ઓસ્ટ્રેલિયામાં લાવવા ખૂબ મુશ્કેલ છે. મિઝોરમ ફાર્મે બસ વચેટિયા તરીકે કામ કર્યું હોવું જોઈએ.

વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોના ઈસ્ટ ઝોનના રિજનલ ડાયરેક્ટર અગ્નિ મિત્રાએ જણાવ્યું હતું કે, ઈન્દોર ઝૂએ ફાર્મમાંથી કાંગારૂ મેળવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરવાનગી લીધી નહોતી.  માર્ચમાં કાંગારૂનું કન્સાઈનમેન્ટ પકડાયા બાદ સ્મગલિંગએ બાકીના પ્રાણીઓને છોડી દીધા હશે જે હવે મળી આવ્યા છે. 

 

(7:47 pm IST)