Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

અબજો રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં CBI ચાર્જશીટ દાખલ કરશે

આ કેસમાં બે અલગ અલગ એફઆઇઆર નોંધાઇ છેઃ ભૂતપૂર્વ એમડી ઉષા અનંત સુબ્રમણ્યમનું નામ પણ સામેલ : અત્યાર સુધીમાં ૧૯ની ધરપકડ : પૂછપરછ કરાશે

મુંબઇ : અંદાજે ૧૩ હજાર કરોડના પીએનબી કૌભાંડમાં સીબીઆઇ ઇલાહાબાદ બેંકના સીઇઓ અને એમડી ઉષા અનંત સુબ્રમણ્યમ અને અન્ય વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરાશે. અનંત સુબ્રમણ્યમ વર્ષ ૨૦૧૬માં પંજાબ નેશનલ બેંકના એમડી હતા. આ દરમિયાન કૌભાંડ થયું હતું. ચાર્જશીટમાં અનેક નામોને જોડવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, આ અધિકારીઓએ આરબીઆઇ દ્વારા ૨૦૧૬માં સ્વિફટ કંટ્રોલ સિસ્ટમ અંગે જાહેર કરેલા નોટીફિકેશનના હિસાબથી કામ કર્યું નહોતું. સીબીઆઇ આ દરેકની પૂછપરછ કરશે.

બાદમાં સીબીઆઇ વધુ વિગતની સાથે સપલીમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરશે. આરોપમાં જણાવ્યા મુજબ નીરવ મોદી અને મેહુલ ચોકસીના પીએનબીના ડેપ્યુટી મેનેજર ગોહલનાથ શેટ્ટી સાથે મળીને બેંકની સાથે ભ્રષ્ટાચાર કર્યો હતો. સીબીઆઇનું કહેવું છે કે, શેટ્ટીએ બેંકની બ્રૈડી હાઉસની બ્રાંચમાં તૈનાતી દરમિયાન મોદી તેમજ ચોકસી સમૂહ માટે બનાવટી રીતે લેટર્સ ઓફ અંડરટેકિંગ જાહેર કર્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૯ની ધરપકડ કરાઇ છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી ફરાર છે. દરેકનું નામ ચાર્જશીટમાં સામેલ છે.

આ કૌભાંડમાં સીબીઆઇએ બે અલગ અલગ એફઆઇઆર નોંધી છે અને વધુ પડતા આરોપીઓના નામ બંને ચાર્જશીટમાં છે. પ્રથમ એફઆઇઆરમાં મોદી, એમી, વિશાલ અને મોદીના કાકા ચોકસી સહિત અન્યના નામ છે. બીજી એફઆઇઆરમાં ચોકસી, ગીતાંજલી જેમ્સ અને અન્ય પર ફોકસ છે.

(4:31 pm IST)