Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ઉત્તરપ્રદેશની લોકસભાની એક બેઠક પર જામશે ખરાખરીનો જંગ- સપાના ગઢમાં કાકા ભત્રીજા સામ-સામે લડી રહ્યા છે : ભાજપને કદાચ ભરપુર લાભ થઇ શકે

ફિરોઝાબાદ: લોકસભા ચૂંટણી 2019ના અજબ ગજબ રંગ જોવા મળી રહ્યાં છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં જનતાની સેવા કરવાની તક મેળવવા માટે લોકો જાત જાતના જોર અજમાવી રહ્યાં છે. 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે. પરંતુ ઉત્તર પ્રદેશની એક બેઠક છે જેના પર ખુબ જ રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે. તાજનગરી આગરાને અડીને આવેલા ફિરોઝાબાદમાં આ વખતે કાકા-ભત્રીજાની વચ્ચે જોરદાર લડાઈ જોવા મળવાની છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાકા ભત્રીજાની લડાઈમાં દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના ઉમેદવાર પોતાની આશા ફંફોળી રહ્યાં છે.

સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી ફિરોઝાબાદ સીટ પર આ વખતે ત્રિકોણીય જંગ છે. વર્ષ 2014માં જ્યારે મોદી લહેર હતી  ત્યારે પણ આ સીટ પરથી સપાના મહાસચિવ રામગોપાલ વર્માના પુત્ર અક્ષય યાદવ જીત્યા હતાં. પરંતુ આ વખતે પરિસ્થિતિઓ થોડી બદલાઈ છે. અહીંથી સૈફઈ  પરિવારના બે દિગ્ગજો મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીથી અલગ થઈને શિવપાલ યાદવ પોતાના ભત્રીજા અને વર્તમાન સાંસદ અક્ષય યાદવ સામે લડી લેવાના મૂડમાં છે. સૈફઈ પરિવારમાં આ બે દિગ્ગજોની ભીડંતનો ભાજપે ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે અને પોતાના જૂના કાર્યકર્તા ડો. ચંદ્રસેન જાદૌનને ઉમેદવાર બનાવીને જંગ ત્રિકોણીયો કરી નાખ્યો છે.

જનસંઘના જમાનાના ડો.જાદૌને વર્ષ 1996માં ધિરોર વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટથી ચૂંટણી લડી હતી. પરંતુ જીતી શક્યા નહતાં. વરિષ્ઠ રાજનીતિક વિશ્લેષક વિનય ચતુર્વેદી ફિરોઝાબાદની બેઠકને સપાની પરંપરાગત સીટ માને છે. તેમનું કહેવું છે કે સપના રામજી લાલ સુમને વર્ષ 1999 અને 2004માં સતત લોકસભા ચૂંટણી જીતી હતી. પરંતુ વર્ષ 2009માં સપાના મુખ્ય અખિલેશ યાદવે ચૂંટણી લડીને જીત મેળવી અને હવે આ એક પરિવારના પ્રભુત્વવાળી બેઠક બની ગઈ છે.

અખિલેશે બેઠક છોડતા યોજાયેલી પેટાચૂંટણીમાં સૈફઈ પરિવારની વહુ અને અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણીના મેદાનમાં હતાં. પરંતુ કોંગ્રેસના રાજ બબ્બર સામે ચૂંટણી હારી ગયા હતાં. આમ છતાં વર્ષ 2014માં થયેલી ચૂંટણીમાં એકવાર ફરીથી આ બેઠક સૈફઈ પરિવારમાં પાછી આવી. અક્ષય યાદવે ભાજપના એસ પી સિંહ બધેલને લગભગ 1 લાખ 14 હજાર 59 મતોથી હરાવ્યા હતાં.

(1:01 pm IST)