Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કૉંગ્રેસનું ત્રાસવાદીઓ સાથે ઈલુ… ઈલુ...

રાહુલ બાબા તમારી પાર્ટી આતંકવાદીઓ સાથે ઈલુ... ઈલુ… કરવા માગતી હોય તો તમે એમ કરી શકો છો, પણ ભાજપાનો ઈરાદો સ્પષ્ટ: અમિત શાહઃ

આ વખતે નરેન્દ્રભાઇ મોદીની સરકાર છે નહીં કે મૌનીબાબા મનમોહનસિંઘની સરકારઃ જો અમારા પર ગોળી છોડવામાં આવશે તો અમે તેનો જવાબ બૉમ્બથી આપીશું

નવી દિલ્હી: દેખીતી રીતે જ નેવુંના દાયકાના બૉલીવૂડના લોકપ્રિય ગીતનો ઉલ્લેખ કરી ભાજપના પ્રમુખ અમિત શાહે કૉંગ્રેસ પર ત્રાસવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવાનો શનિવારે આરોપ મૂક્યો હતો. રાહુલ બાબાના ગુરુ સામ પિત્રોડાએ કહ્યું હતું કે પાકિસ્તાન પર બૉમ્બથી હુમલો ન કરો, તેમની સાથે વાટાઘાટ કરો.

રાહુલ બાબા જો તમારો પક્ષ ત્રાસવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવા માગતો હોય તો તમે એમ કરી શકો છો, પરંતુ અમારો ઈરાદો સ્પષ્ટ છે. જો અમારા પર ગોળી છોડવામાં આવશે તો અમે તેનો જવાબ બૉમ્બથી આપીશું, એમ શાહે ભાજપના બદાયુન લોકસભા મતદારક્ષેત્રના

ઉમેદવાર સંગમિત્રા મોર્યાના સમર્થનમાં યોજાયેલી એક સભાને સંબોધન કરતા કહ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે કૉંગ્રેસના છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્રાસવાદીઓ ભારતીય જવાનનું મસ્તક લઈ ગયા હતા ત્યારે પણ કૉંગ્રેસે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી કરી, એમ તેમણે કહ્યું હતું.

વખતે નરેન્દ્ર મોદીની સરકાર હતી, નહીં કે મૌનીબાબા મનમોહનસિંહની સરકાર અને એટલે જ પુલવામા આતંકવાદી હુમલાના માત્ર 13 જ દિવસમાં ભારતીય હવાઈ દળ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદીઓની છાવણી પર સફળ હુમલો કરી સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

કાશ્મીર ભારતનો જ હિસ્સો રહે અને ઘૂસણખોરોને દેશની બહાર ખદેડી મૂકવામાં આવશે એ વાતની કાશ્મીરસ્થિત ભાજપના કાર્યકર્તાઓ ખાતરી કરશે, એમ તેમણે કહ્યું હતું.

મહાગઠબંધન પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ જો મહાગઠબંધનની સરકાર સત્તા પર આવશે તો અઠવાડિયાના દરેક દિવસે દેશને નવો વડા પ્રધાન જોવા મળશે.

એક તરફ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનો ભાજપ છે જે દેશ માટે કામ કરી રહ્યો છે તો બીજી તરફ રાહુલબાબા, બહેનજી-માયાવતી, ભતીજા-અખિલેશ, કૉંગ્રેસ અને અન્યોનું મહાગઠબંધન છે.

હું તમને પૂછું છું કે તમારો વિપક્ષનો નેતા કોણ છે? અમારા નેતા તો મોદીજી છે એ સ્પષ્ટ છે અને એ જ વડા પ્રધાન બનશે, પરંતુ તમારો નેતા કોણ છે એનો જવાબ કોઈ નથી આપતું પણ હું તમને જણાવીશ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સોમવારે મમતા બેનરજી, મંગળવારે માયાવતી, બુધવારે ચંદ્રાબાબુ નાયડુ, ગુરુવારે દેવ ગોવડા, શુક્રવારે.... અને શનિવારે મુલાયમસિંહ યાદવ..વગેરે.

શું કોઈ સરકાર આ રીતે ચાલી શકે? દેશની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? શું આ મહાગઠબંધન દેશની સુરક્ષાનું ધ્યાન રાખી શકશે? એવા સવાલ શાહે કર્યા હતા.

દેશવાસીઓ મોદીના નામનો જાપ કરી રહ્યા છે અને તેમને જ ફરી વડા પ્રધાન બનાવવાનો જનતાએ નિર્ણય લીધો છે એવો દાવો શાહે કર્યો હતો.

(10:42 am IST)