Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કોકજે વિહિપના નવા અધ્યક્ષ થયા : તોગડિયાને મોટો ફટકો

રાઘવ રેડ્ડી અધ્યક્ષપદની ચૂંટણી હારી ગયા : વિશ્વ હિન્દુ પરિષદમાં તોગડિયાના યુગનો આવેલો અંત પ્રથમ વખત ઇન્ટરનેશનલ પ્રમુખ પદની યોજાયેલી ચૂંટણી

નવીદિલ્હી,તા. ૧૪ : વિશ્વ હિન્દુ પરિષદના કારોબારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાને આજે મોટો ફટકો પડ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદની નવી કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી હતી. તેમના નજીકના રાઘવ રેડ્ડી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી હારી ગયા છે. હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર વિષ્ણુ સદાશીવ કોકજેને જીત મળી છે. તોગડિયા અને રાઘવ રેડ્ડીને નવી ટીમમાં કોઇપણ જવાબદારી સોંપવામાં આવી નથી. આને વિશ્વ હિન્દુ પરિષદમાં તોગડિયા યુગના અંત તરીકે ગણવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે, પ્રથમ વખત ચૂંટણી કરાવવાના કારણે પણ પ્રવિણ તોગડિયાનું વિશ્વ હિન્દુ પરિષદ પર પ્રભુત્વ ખતમ થઇ ગયું હતું. હકીકતમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક જગ્યાએ ટિકા ટિપ્પણી કરનાર પ્રવિણ તોગડિયાથી સંઘ અને ભાજપના લોકો ખુબ જ નારાજ હતા. વિશ્વ હિન્દુ પરિષદના બંધારણ મુજબ આંતરરાષ્ટ્રીય પ્રમુખ જ કારોબારી પ્રમુખ, ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરીની નિમણૂંક કરે છે. વિશ્વ હિન્દુ પરિષદના ૫૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે. શનિવારના દિવસે ગુરુગ્રામમાં ચૂંટણી યોજાઈ હતી. એમ માનવામાં આવે છે કે, કોકજેને જવાબદારી મળ્યા બાદ લાંબા સમય બાદ વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા દશકોથી વિશ્વ હિન્દુ પરિષદના ચહેરા તરીકે હતા. રાઘવ રેડ્ડીએ જ તોગડિયાને આ જવાબદારી સોંપી હતી. સંગઠનના આંતરિક લોકોનું કહેવું છે કે, બંને મળીને એકબીજાને સમર્થન કરતા રહ્યા છે અને સંગઠન પર મજબૂત પકડ ઉભી કરી હતી પરંતુ હવે તેમના પ્રભાવને ખતમ કરવાના હેતુસર આ નિર્ણય લેવાયો છે. તોગડિયાને આજે મોટો ફટકો પડ્યો હતો. કોકજેને અધ્યક્ષ બનાવવામાં આવતા વિહિપમાં તોગડિયાના શાસનનો અંત થઇ રહ્યો છે.

(7:20 pm IST)