Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઉન્નાવ ગેંગરેપ-કઠુઆમાં બળાત્કાર-હત્યા કેસમાં સરકાર યોગ્ય કાર્યવાહી કરે છે ;સ્મૃતિ ઈરાનીએ મૌન તોડ્યું

બંને પાશવી ઘટનાની મેનકા ગાંધી,અંબિકા સોની,સેનાધ્યક્ષ જનરલ વીકે સિંહ સહિતના આકરા શબ્દોમાં વખોડી

 

નવી દિલ્હી :યુપીના ઉન્નાવ ગેંગરેપ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાળકીના સામુહિક બળાત્કાર તથા મર્ડરના મામલામાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આખરે લોકોના કટાક્ષ બાદ મૌન તોડયું છે. સ્મૃતિ ઈરાનીએ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું છે.મહિલાઓ સાથે જોડાયેલા મામલાઓમાં 2012ના દિલ્હી ગેંગરેપ વખતે સ્મૃતિ ઈરાનીએ આક્રમક નિવેદનો આપ્યા હતા. તેને કારણે હવે તેમની ચુપકીદી સામે સવાલો ઉઠી રહ્યા હતા.

 

  બીજીતરફ  કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ બાળકોના બળાત્કાર મામલે ફાંસીની સજાની જોગવાઈવાળો કાયદો લાવવાની માગણી કરી છે. તેમણે મંત્રાલય દ્વારા પોસ્કો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરવાની વાત પણ જણાવી છે.

 

  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ કહ્યું છે કે કઠુઆની ઘટના સમાજ માટે કલંક રૂપ છેતેમણે અપરાધીઓની ધરપકડમાં વિલંબના મામલે પણ સવાલ ઉઠાવ્યા છે
   જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ. પી. વૈદ્યે કઠુઆ ગેંગરેપ અને મર્ડરની ઘટનાને બદતર ગણાવી છે. તેમણે એસઆઈટી દ્વારા પ્રોફેશનલ ઢબે કામ થઈ રહ્યું હોવાનું જણાવીને ન્યાયની આશા વ્યક્ત કરી છે.

   કર્ણાટકની મુલાકાત વખતે ભાજપ અધ્યક્ષ અમિત શાહને આના સંદર્ભે કરવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે રોડ પર વાત નહીં કરવાનું જણાવીને જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ સરકાર તરફથી કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે સૌથી પહેલું નિવેદન આપ્યું હતું. જનરલ વી. કે. સિંહે કઠુઆ ગેંગરેપ અને હત્યાના કાંડને આકરા શબ્દોમાં વખોડયો હતો.

કઠુઆ ગેંગરેપ કાંડમાં પીડિતાના પરિવાર તરફથી કેસ લડી રહેલા વકીલ દીપિકા થુસ્સૂને ધમકીઓ મળી રહી છે. વકીલ દીપિકા થુસ્સૂએ પોતે બાળકીને ન્યાય અપાવવાની લડાઈમાંથી પીછે હઠ નહીં કરવાની વાત દ્રઢતાપૂર્વક જણાવી છે.

   કઠુઆ ગેંગરેપ અને હત્યાના કેસમાં જમ્મુ-કાશ્મીર પોલીસના કર્મચારીઓ પણ આરોપીઓમાં સામેલ છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. કઠુઆ કેસમાં પહેલીવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કરીને સવાલ કર્યો હતો કે આવી ક્રૂરતા કરનારા અપરાધીઓનો બચાવ કોઈ કેવી રીતે કરી શકે છે? કઠુઆની ઘટનાને તેમણે માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો હતો. તેમણે ગુનેગારોને સજાને માગણી કરતા સવાલ પણ ઉઠાવ્યો છે કે શું આપણે રાજનીતિને માસૂમ બાળકીની સાથે થયેલી ક્રૂરતામાં દખલગીરીની પરવાનગી આપી રહ્યા છીએ ?

(12:00 am IST)