Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પાકિસ્‍તાનના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મામલાની સુનાવણી માત્ર ૪ દિવસમાં જ આટોપી લેવાઇઃ દુષ્‍કર્મ કેસમાં આરોપીને મોતની સજા

નવી દિલ્હીઃ પાકિસ્‍તાનના દુષ્‍કર્મ અને હત્યા પ્રકરણમાં કોર્ટમાં માત્ર ચાર જ દિવસમાં આટોપી લઇને આરોપીને મોતની સજા સંભાળવવામાં આવી છે.

કઠુઆ ગેંગરેપે આખા દેશને હલાવી નાખ્યો છે. અહીં બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. કેન્દ્રિય મંત્રી વીકે સિંહથી માંડીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ તેમજ ફિલ્મી સેલિબ્રિટીઓએ આ મામલામાં આક્રોશ વ્યક્ત કર્યો છે. આખા દેશમાં દોષિતોને કઠોર દંડ આપવાની માગણી કરવામાં આવી છે. પોલીસે આ મામલામાં હજી સુધી આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે. 

ભારતમાં આ મામલે હજી કોઈ કડક પગલું નથી લેવાયું ત્યારે પાકિસ્તાનનો આવો જ એક સિમાચિન્હ જેવો કેસ યાદ આવી જાય છે. થોડા સમય પહેલાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સાત વર્ષની બાળકી સાથે કથિત રીતે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના પછી સમગ્ર પાકિસ્તાનમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલામાં પાકિસ્તાની કોર્ટે ભારે સંવેદનશીલ વર્તન દાખવીને માત્ર ચાર જ દિવસમાં સુનાવણી આટોપીને આરોપીને મોતની સજા આપી હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મામલાની સુનાવણી માત્ર ચાર જ દિવસમાં કરી લેવામાં આવી હતી. 

પાકિસ્તાનની આ ઘટના 9 જાન્યુઆરીની હતી. પોલીસનું કહેવું હતું કે સીસીટીવી ફુટેજ પ્રમાણે કાસુર જિલ્લાની બાળકીનું અપહરણ તેના ઘરની બહારથી જ કરવામાં આવ્યું હતું અને તેનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવ્યો હતો. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બળાત્કાર કરીને બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ બાળકીના માતા-પિતા ઉમરાહ માટે ગયા હોવાના કારણે બાળકી પોતાના સંબંધીના ત્યાં રહેતી હતી. 

આ મામલામાં લાહોર હાઇ કોર્ટે પાકિસ્તાની પંજાબ પ્રાંતના પોલીસ પ્રમુખને આદેશ આપ્યો હતો કે આ મામલાના અપરાધીની 36 કલાકમાં ધરપકડ કરવામાં આવે. ભારે સુરક્ષા વચ્ચે કોટ લખપત જેલમાં એટીસી જજ સજ્જાદ હુસૈને 23 વર્ષીય ઇમરાન અલીને બાળકીના અપહરણ, સગીર સાથે બળાત્કાર, હત્યા તેમજ અપ્રાકૃતિક કૃત્ય કરવાના આરોપસર મોતની સજા આપી હતી. આ સિવાય આરોપીને બાળકીના શબને સાથે ચેડાં કરવા માટે સાત વર્ષની સજા તેમજ 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 

(5:59 pm IST)