Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

H3N2 વાયરસથી વડોદરાની મહિલાનું મોત : પ્રકોપ વધતા ચિંતાનો વિષય

શહેરના ફતેગંજ વિસ્‍તારમાં રહેતા ૫૮ વર્ષીય મહિલામાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો : તેઓને સારવાર માટે શહેરની એસએસજી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા : સારવાર દરમિયાન મોત

વડોદરા તા. ૧૪ : ભારતમાં સતત ઈન્‍ફલુએન્‍ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્‍ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફલૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્‍યા છે. આ વચ્‍ચે વડોદરામાંથી ભયજનક સમાચાર સામે આવ્‍યા છે એક મહિલાનું H3N2 વાયરસથી મોત થયું છે. રાજ્‍યમાં આ વારયસથી પ્રથમ મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્‍તારમાં રહેતા ૫૮ વર્ષીય મહિલામાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા. જેથી તેઓને સારવાર માટે શહેરની એસએસજી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જયાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. આ અંગેની જાણ થતાં આરોગ્‍ય વિભાગની ટીમ દોડતી થઈ છે. મહિલાના પરિવારજનોના સેમ્‍પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દેશમાં સિઝનલ ઈન્‍ફલ્‍યુએન્‍ઝાના વધતા કેસો વચ્‍ચે આરોગ્‍ય નિષ્‍ણાતોએ ચેતવણીની સાથો સાથ સાવચેતીના પગલારૂપે કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા છે. આરોગ્‍ય નિષ્‍ણાતોએ  ફલૂ રસી ડ્રાઈવ પર ભાર મૂકવાનું આહ્વાન કર્યું છે. H3N2 ઈન્‍ફલ્‍યુએન્‍ઝાના ઝડપી પ્રસાર વિશે ચેતવણી આપતાં પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, લોકોએ ચહેરાના માસ્‍ક અને વારંવાર હાથની સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે દરેક વ્‍યક્‍તિએ રસીકરણ કરાવવું જોઈએ.

સિઝનલ ઈન્‍ફલ્‍યુએન્‍ઝાથી દેશમાં અત્‍યાર સુધીમાં બે મોત થયા છે. કર્ણાટક અને હરિયાણામાં એક-એક મૃત્‍યુની પુષ્ટિ થઈ છે. ડો. રણદીપ ગુલેરિયાએ નેશનલ કોવિડ ટાસ્‍ક ફોર્સનું નેતૃત્‍વ કર્યું. તેમણે કહ્યું હતું કે, કાં તો લોકો કોવિડ-યોગ્‍ય વર્તનને અનુસરી શકે છે અથવા રસી લઈ શકે છે. ડો. રણદીપ ગુલેરિયા નાગપુરમાં એકેડમી ઓફ મેડિકલ સાયન્‍સ દ્વારા આયોજિત કોન્‍ફરન્‍સમાં બોલી રહ્યા હતા.

આરોગ્‍ય નિષ્‍ણાંતો જણાવી રહ્યા છે કે, કેસ વધવા લાગે તે સમયે H3N2ની તપાસ કરાવવી જોઈએ. પરંતુ દર્દી સાજા ના થાય અને આ વાયરસ પકડમાં ના આવે ત્‍યારે પણ તપાસ કરાવવી જોઈએ. ડોકટર જણાવી રહ્યા છે કે, આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્‍યા છે, મોટાભાગના દર્દીઓ ઈલાજ વગર સાજા થઈ રહ્યા છે.

H3N2  વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શર્દી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે છે. આ કારણોસર આ બિમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્‍તિ નબળી પડી ગઈ છે. આ પરિસ્‍થિતિમાં ખૂબ જ તેજીથી વાયરલ ઈન્‍ફેક્‍શનના કેસ વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના પછી ઈન્‍ફલુએન્‍ઝા જેવી બિમારીઓ ઓછી થઈ જશે, પરંતુ વાયરલ ઈન્‍ફેક્‍શનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રેસ્‍પિરેટરી સિસ્‍ટમ પર અસર થાય છે.

મોટાભાગના લોકો મેડિકલ કેયર વગર સાજા થઈ રહ્યા છે. ગંભીર કેસમાં આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. WHO અનુસાર વધુ જોખમ ધરાવતા દર્દીઓના કેસ જીવલેણ હોય છે.

તમામ ઉંમરના લોકોને આ વાયરસ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ અને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ વ્‍યક્‍તિઓને આ બિમારી થવાનું સૌથી વધુ જોખમ છે. જો કોઈ વ્‍યક્‍તિ સતત બિમાર રહેતી તેણે પણ સાવધાની રાખવી જોઈએ. હેલ્‍થ કેયર વર્કર્સને ઈન્‍ફલુએન્‍ઝા થવાનું સૌથી વધુ જોખમ છે.

WHO અનુસાર ભીડભાડવાળી જગ્‍યાએ જવાથી તમને આ બિમારી થઈ શકે છે. ઈન્‍ફલુએન્‍ઝાથી સંક્રમિત વ્‍યક્‍તિ ખાંસી અથવા છીંક ખાય તો અન્‍ય વ્‍યક્‍તિને પણ આ ઈન્‍ફલુએન્‍ઝા થઈ શકે છે. આ કારણોસર ખાંસી ખાતા સમયે અને છીંક ખાતા સમયે મોંછુ ઢાંકવું જોઈએ. સ્‍વચ્‍છતા જાળવી રાખો અને વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ.

 

H3N2 વાયરસના લક્ષણો

*  નાકમાંથી પાણી નીકળવું

*  તાવ આવવો

*  પહેલા શરૂઆતમાં કફવાળી ખાંસી

   અને પછી લાંબા સમય સુધી સૂકી ખાંસી

*  છાતીમાં દુખાવો

*  માથામાં દુખાવો

*  માંસપેશી અને સાંધામાં દુખાવો

*  થાક અનુભવવો

*      ગળામાં ખરાશ

 

 

 

H3N2થી કેવી રીતે બચી શકાય?

ભીડભાડવાળી જગ્‍યાએ ના જશો.

હાથ ના મિલાવો અને માસ્‍ક પહેરો.

આંખ અને નાકને હાથ ના અડાડવો.

ખાંસી ખાતા સમયે મોઢું અને નાક ઢાંકીને રાખો.

જાહેર સ્‍થળ પર ના જશો.

ડોકટરની સલાહ અનુસાર દવા લો.

દૂર દૂર બેસીને ભોજન કરવું.

 

(11:03 am IST)