Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હવે પંજાબ પ્રાંતના ગુજરાતમાં ઇમરાનખાન ઉપર જુતુ ફેકાયું

રેલીમાં વાહન પર ઉભા રહી સંબોધિત કરતા હતા ત્યારે જુતુ ફેંકાતા અલીમખાનને વાગ્યું

 

લાહોર:પાકિસ્તાનમાં નેતાઓ પર જુતુ ફેંકવાની ઘટનાઓ વધી રહી છે રવિવારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને વિદેશમંત્રી પર જુતુ ફેંકાયા બાદ આજે પંજાબ પ્રાંતના ગુજરાત શહેરમાં એક રેલી દરમિયાન પાકિસ્તાની તહરીક ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર જૂતું ફેંકાયું હોવાના અહેવાલ મળે છે ડોન અખબારે જાણકારી આપી છે.અહેવાલ મુજબ ઈમરાન ખાન એક વાહન પર ચડીને લોકોને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે તેમના ઉપર એક જૂતું ફેંકાયું અને તે પીટીઆઈ નેતા અલીમ ખાન ઉપર પડ્યું.તેઓ ઈમરાન ખાનની બરાબર જમણી બાજુ ઊભા હતાં. ભીડે જો કે હુમલાખોર પર કાબુ મેળવી લીધો અને ઘટના બાદ ઈમરાને તરત પોતાનું ભાષણ પણ બંધ કરી દીધુ હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર 11મી માર્ચ રવિવારના રોજ એક ઈસ્લામી શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીએ જૂતા ફેંક્યા હતાં. તેના બરાબર એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર ધાર્મિક ચરમપંથીએ શાહી ફેંકી હતી.

  શરીફ લાહોરની એક ઈસ્લામી શિક્ષણ સંસ્થામાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતાં. તેઓ જ્યારે ભાષણ આપવા માટે મંચ તરફ આગળ વધી રહ્યાં હતાં ત્યારે એક વિદ્યાર્થીએ તેમના ઉપર જૂતું ફેંક્યું જે તેમના ખભા અને કાન પર વાગ્યું. વિદ્યાર્થી મંચ પર ચડી ગયો અને મુમતાઝ કાદરીના વખાણ કરતા નારાબાજી  કરવા લાગ્યો હતો. મુમતાઝ કાદરીએ પંજાબ  પ્રાંતના પૂર્વ ગવર્નર સલમાન તાસીરની હત્યા કરી હતી. સ્થળ પર હાજર લોકોએ વિદ્યાર્થી અને તેના એક સહયોગીને પકડી લીધા અને સુરક્ષાકર્મીઓએ તેમની પીટાઈ કરી.

  આ અગાઉ પંજાબમાં પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધી રહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફના ચહેરા પર કોઈ ધાર્મિક ચરમપંથીએ શાહી નાખી હતી. સંદિગ્ધનો આરોપ હતો કે આસિફની પાર્ટીએ પેગંબર મોહમ્મદના ઈસ્લામના અંતિમ નબી હોવાની માન્યતાને બંધારણના માધ્યમથી બદલવાની કોશિશ કરી છે. જેના કારણે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. આસિફ તેમના ગૃહનગર સિયાલકોટમાં પીએમએલ-એનના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધી રહ્યાં હતાં.

(9:24 pm IST)