Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ટ્રેડ ક્રેડિટ માટે એલયોયુના ઉપયોગ ઉપર આખરે બ્રેક

પીએનબી કૌભાંડમાં એલઓયુનો ઉપયોગ થયો : રિઝર્વ બેંકે અંતે અતિકઠોર અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો નિર્ણયને તાત્કાલિક ધોરણે અમલી કરવાના આદેશ જારી

નવીદિલ્હી, તા. ૧૪ : દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડની જડ તરીકે રહેલા લેટરઓફ અન્ડરટેકિંગ ઉપર રિઝર્વ બેંકે અતિમહત્વપૂર્ણ અને કડક નિર્ણય લઇ લીધો છે. આરબીઆઈએ બેંકોને એલઓયુ જારી ન કરવાનો આદેશ કર્યો છે. બેંકોના એલઓયુ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અબજોપતિ જ્વેલર નિરવ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સીએ આના મારફતે જ દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. પંજાબ નેશનલ બેંક સાથે ઠગાઈનો મામલો સાપટી ઉપર આવ્યા બાદથી હોબાળો મચેલો છે. આરબીઆઈએ કહ્યું છે કે, ટ્રેડ ફાઈનાન્સ માટે એલઓયુ અને લેટર ઓફ કંફર્ટ (એલઓસી)ના ઉપયોગને રોકનાર ચુકાદો તરત અમલી કરી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે નોટિફિકેશન જારી કરીને કહ્યું છે કે, વર્તમાન દિશાનિર્દેશની સમીક્ષા બાદ ભારતમાં આયાત માટે એલઓયુ, એલઓસી જારી કરવા પર તાત્કાલિક અમલથી પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકે એવી માહિતી આપી હતી કે, વિદેશોમાંથી ચીજવસ્તુઓ મંગાવવાના નામ ઉપર છેતરપિંડીવાળા એલઓયુ મારફતે ૧૨૯૬૭ કરોડ રૂપિયાનો ચુનો લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈ અને ઇડી સહિતની સંસ્થાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું છે કે, ભારતમાં આયાત કરવા માટે ટ્રેડ ક્રેડિટ, લેટર ઓફ ક્રેડિટ અને બેંક ગેરન્ટીની જોગવાઈ જારી કરવામાં આવી શકે છે. લેટર ઓફ અન્ડરટેકિંગ એક પ્રકારની ગેરન્ટી તરીકે હોય છે જેના આધાર પર બીજા બેંક ખાતેદારોને પૈસા ઉપલબ્ધ કરાવે છે. વેપારી આનો ઉપયોગ કરીને વિદેશથી ચીજવસ્તુ આયાત કરે છે.

(7:41 pm IST)