Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ગરમી આ વર્ષે તમામ રેકોર્ડ તોડશે

ભારતના ગામો સામે શહેરોમાં ગરમી વધુ પડી રહી છેઃ ૧૬ વર્ષ સુધી દેશના ૪૪ શહેરોના રિસર્ચ પછી આ ખુલાસો કરવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૧૪: ફેબ્રુઆરી મહીનો હજુ અડધો માંડ વીત્‍યો છે, ત્‍યાં ગરમીનો અનુભવ થવા લાગ્‍યોછે. જાન્‍યુઆરીમાં ખાસ કરીને ઉતર ભારત ભયંકર ઠંડીથી ઠુંઠવાઈ રહ્યું હતું. હવે ગરમીના કહેરની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે. ૧૨ ફેબ્રુઆરીએ તાપમાન અન્‍ય દિવસોની સરખામણીએ થોડુ વધુ મહેસૂસ થયું હતું. આ જોતાં એવી શકયતા છે કે આ વર્ષે ગરમી જૂના રેકોર્ડ તોડશે. રેકોર્ડ તૂટે તો પણ નવાઈ ન લાગવી જોઈએ. કેમકે વિજ્ઞાનીઓ કેટલાક વર્ષોથી જલવાયુ પરિવર્તનની ગંભીર અસરોની વિશ્વને ચેતવી રહ્યા છે. ચાલુ સદીના બીજા દસકામાં વિશ્વભરમાં ગરમી વર્ષ પ્રતિવર્ષ નવા રેકોર્ડ બનાવી રહી છે.

આઈઆઈટી ખડગપુરના અભ્‍યાસમાં જણાવાયું છે કે ભારતના ગામો સામે શહેરોમાં ગરમી વધુ પડી રહી છે. આ સમસ્‍યાને વૈજ્ઞાનિક પરિભાષામાં ‘અર્બન હીટ આઈલેન્‍ડ' કહેવામાં આવે છે. સંશોધકોએ ૧૬ વર્ષ સુધી દેશના ૪૪ શહેરોના રિસર્ચ પછી આ ખુલાસો કરવામાં આવ્‍યો છે. આઈઆઈટીના જણાવ્‍યા મુજબ ગરમી ભવિષ્‍ય માટે મોટો ખતરો બની શકે.

શહેરોમાં વધતી ગરમીનું કારણ બિલ્‍ડીંગ મટીરીયલ્‍સ છે. આવી બાંધકામ સામગ્રી સૂર્યની ઉર્જાને શોષણ હોવાથી ગરમી વધી રહી છે. ડામર, સ્‍ટીલ, ઈંટ જેવા પદાર્થો દ્યેરા કાળા, ભુરા રંગના હોવાથી પ્રકાશ ઉર્જાના તરંગોનેજલ્‍દી છોડે છે અને એ ફરી ઉર્જામાં પલટાઈ જાય છે. બીજી બાજુ, વૃક્ષછેદન અને સતત બની રહેલી સડકો તાપમાન વધારવામાં ભૂમિકા ભજવી રહી છે.

આઈઆઈટીના અભ્‍યાસમાં ૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરોમાં દિવસનું તાપમાન વધુ જોવા મળ્‍યું હતું. રાત્રી તાપમાન પણ સામાન્‍ય કરતા વધુ હતું.

દરમિયાન, ૯ ફેબ્રુઆરીએ ઈતિહાસમાં પહેલીવાર એન્‍ટાર્કિયામાં ૨૦ ડીગ્રી સેલ્‍સીયસ ગરમી નોંધાઈ છે. જાન્‍યુઆરી ૧૯૮૨એ સીમોર આઈલેન્‍ડ ખાતે નોંધાયેલા ૧૯.૮ ડીગ્રી સેલ્‍સીયસ તાપમાન સામે ૯ ફેબ્રુઆરીએ એનાથી પણ એક ડીગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.

દરમિયાન, વિજ્ઞાનીઓએ જાહેર કર્યુ છે કે જાન્‍યુઆરી મહીનો વિશ્વમાં સૌથી ઉષ્‍ણ રહ્યો હતો. ૨૦મી સદીની સરેરાશ કરતાં તાપમાન ગત મહીને ૨ ડીગ્રી ફેરન્‍હાઈટ વધુ રહ્યું હતું. અગાઉ ગત દસકો ઈતિહાસમાં સૌથી હોટેસ્‍ટ જાહેર થયો હતો.

(3:48 pm IST)