Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

નાના મકાનોને GSTમાંથી મુકિત આપવાની તૈયારી

મંત્રીમંડળની બેઠકમાં થઇ શકે છે ભલામણઃ ૩૦ ચો.મીટર સુધીના ઘરોને મળી શકશે રાહત

નવી દિલ્હી તા. ૧૪ : રીયલ એસ્ટેટ પર જીએસટીના દરોની સમીક્ષા કરવા માટે બનાવાયેલ પ્રધાન મંડળ સસ્તા ઘરોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ તો ૩૦ ચોરસ મીટર સુધીના નાના મકાનોને સંપૂર્ણ રીતે જીએસટીમાંથી બાકાત કરી શકાય છે.

સૂત્રો અનુસાર મંત્રી મંડળ આવાસ ક્ષેત્રની સૌથી નીચલી શ્રેણીને જીએસટીમાંથી મુકિતની ભલામણ કરી શકે છે. આના માટે સસ્તા મકાન ક્ષેત્રની પરિભાષામાં ફેરફાર કરવામાં આવશે જેથી તેનો વ્યાપ વધારીને વધારે લોકોને ફાયદો પહોંચાડી શકાય.

સૂત્રોએ જણાવ્યું કે, જીએસટી પરિષદ સસ્તા મકાનની સૌથી નીચલી શ્રેણીને આ મુકિત સૌથી પહેલા આપવાનું મન બનાવી રહી છે. જેના હેઠળ ૩૦ ચોરસ મીટર સુધીના મકાનોને જીએસટીમાંથી મુકિત આપવાની વિચારણા ચાલી રહી છે. જ્યારે ૬૦ અને ૧૫૦ ચોરસ મીટરવાળા ઘરો પર ત્રણ ટકા જીએસટીની ભલામણ થઇ શકે છે. અત્યારે સસ્તા મકાનો પર આઠ ટકા જીએસટી લાગે છે. જીએસટી પરિષદની આવતી બેઠક ૨૦ ફેબ્રુઆરી થવાની છે. જેમાં આ અંગે ચર્ચા થઇ શકે છે.(૨૧.૧૧)

(11:27 am IST)