Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની શાહી મ્યુઝિકલ કંકોતરી

કાર્ડ ખોલતાં જ સંભળાય છે ધૂન : સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયું કાર્ડઃ આમંત્રણ કાર્ડ કોઇ સામાન્ય કાર્ડ નહી પરંતુ એક બોકસ જેવું છે, જેમાં રાધા-કૃષ્ણ અને ભગવાન ગણેશની તસ્વીરો છે

મુંબઈ તા. ૧૪ :  દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીનું શાહી વેડિંગ કાર્ડ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. આ આમંત્રણ કાર્ડ કોઈ સામાન્ય આમંત્રણ કાર્ડ નહી પરંતુ એક બોકસ જેવું છે. જેમાં રાધા-કૃષ્ણ અને ભગવાન ગણેશની તસવીરો છે.

કાર્ડ ખોલતાં જ ભજનની ધૂન સાંભળવા મળે છે. ડબ્બામાં પેક થયેલા આ કાર્ડમાં અનેક પેજ છે. જેમાં લગ્ન દરમિયાન કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી છે. આ વેડિંગ કાર્ડની સુંદરતા જોવાલાયક છે. નોંધનીય છે કે ૯ માર્ચના રોજ આકાશ અંબાણી પોતાની ફિયાન્સ શ્લોકા મહેતા સાથે મુંબઈમાં લગ્ન કરશે.

આકાશ અને શ્લોકાના લગ્નનું કાર્ડ હવે સોશ્યિલ મીડિયામાં ખૂબ શેર થઈ રહ્યું છે. આ પહેલા મંગળવારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ નાના દીકરા અનંત અંબાણી સાથે સિદ્ઘિવિનાયકના ચરણોમાં કાર્ડ ધર્યું હતું.

સિદ્ઘિવિનાયક મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધાં હતાં. આકાશની પત્ની બનવા જઈ રહેલી શ્લોકાના પિતા હિરાના મોટા કારોબારી છે. અંબાણી પરિવારમાં ડિસેમ્બર મહિનામાં જ એક લગ્ન ધામધૂમથી સંપન્ન થયા હતાં. ઈશા અંબાણીના લગ્ન ઉદ્યોગપતિ આનંદ પીરામલ સાથે થયાં છે. ઈશાના સાસરા અજય પીરામલ પણ અંબાણી પરિવાર સાથે સિદ્ઘિવિનાયક મંદિર પહોંચ્યા હતાં.

આકાશ અને શ્લોકાની સગાઈ ૨૦૧૮માં થઈ હતી. આ સગાઈ પહેલા પણ એક પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. લગ્નનો કાર્યક્રમ જિયો વર્લ્ડ સેન્ટર બીકેસી મુંબઈમાં યોજાવાનો છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સ્કૂલમાં સાથે જ અભ્યાસ કરતાં હતાં. અંબાણી પરિવારના આ લગ્નમાં અનેક મોટા મહેમાનો હાજરી આપશે.(૨૧.૧૦)

(10:33 am IST)