Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

રાહુલની સભામાં વિરાટ જંગમેદની

પહેલા દેશમાં 'અચ્છે દિન'ના નારા લાગતા, હવે 'ચોકીદાર ચોર હૈ'ના નારા

મોદી મારી સામે આંખ મિલાવી શકતા નથીઃ અનિલ અંબાણીને ૩૦,૦૦૦ કરોડનો ફાયદો કરાવ્યો

ધરમપુર તા. ૧૪ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં જંગી જનમેદનની સંબોધતા સૌ પહેલા નારો લગાવ્યો હતો કે, એક તીર એક કમાન, જય જૌહર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ, ત્યાર બાદ તેમણે ચોકીદાર હાય-હાયના નારા લોકો પાસે લેવડાવ્યા હતા અને ચોકીદાર ચોર હૈ, ચોકીદાર ચોર હૈના નારા લગાવવા લોકોને કહ્યુ હતું. તેમણે પ્રવચનની શરૂઆત જ રાફેલ ડીલથી કરી હતી અને કહ્યુ હતું કે, સંરક્ષણ મંત્રાલય, એરફોર્સ, ફ્રાંસ બધા કહે છે કે, નરેન્દ્ર મોદી દસોલ્ટ સાથે પેરેલલ વાતચીત ચલાવતા હતા. સરકારી ડોકયુમેન્ટ પણ કહે છે કે મોદીએ અનિલ અંબાણીને ૩૦,૦૦૦ કરોડનો ફાયદો કરાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, પહેલા દેશમાં અચ્છે દિનના નારા લાગતા હતા, હવે દેશમાં ચોકીદાર ચોર હૈના નારા લાગે છે. તેમણે  કહ્યું હતું કે, મોદીએ ગઇકાલે દોઢ કલાકનું  ભાષણ કર્યુ પરંતુ તેઓ મારી સામે આંખ મિલાવી શકયા નથી. તેમણે મોદી અને મોદી સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા હતાં. આ પહેલાનો નીચે મુજબ છે.

આજથી કોંગ્રેસના 'મિશન ગુજરાત'નો પ્રારંભ થઇ રહયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં 'જનાક્રોશ રેલી'ને સંબોધન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે. આ પ્રથમ રેલી હોઇ તેને સફળ બનાવવા કોંગ્રેસે તમામ તાકાત કામે લગાડી છે. આદિવાસી બેલ્ટમાં વર્ચસ્વ જમાવવાના ભાગરૂપે આ રેલી યોજાઇ રહી છ. આ લખાય છે ત્યારે રાહુલ ગાંધીનું સંબોધન ચાલુ થવાની તૈયારીમાં છે. ધરમપુરના લાલડુંગળી મેદાનમાં જંગી મેદની ઉમટી પડી છે. આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહેમદ પટેલ, રાજીવ સાતવ, શકિતસિંહ ગોહિલ, અમીત ચાવડા, પરેશ ધાનાણી, ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ, ગાયત્રીબા વાઘેલા, અલ્પેશ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતના વલસાડ જિલ્લાને ચુંટણી પ્રચારની શરૂઆત માટે પસંદ કર્યું છે. વલસાડની ભૂમિ એમ પણ રાજકારણ માટે નવી નથી. અને તેમાં પણ કોંગ્રેસ માટે તો નહિ જ, કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વ. ઇન્દિરા ગાંધી હોય કે પછી પિતા સ્વ. રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધીએ પણ વલસાડની ભૂમિથી ચુંટણી પ્રચાર શરૂ કર્યો હતો. બસ આજ રસ્તે હવે રાહુલ ગાંધી પણ આગળ વધી રહ્યા છે.

વલસાડ સાથે જોડાયેલી એક મહત્વની વાત એ છે કે, જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ લોકસભાની બેઠક જીતે છે તે પાર્ટી કેન્દ્રમાં સત્ત્।ા બનાવે છે. ચાહે તે વી પી સિંહની સરકાર હોય કે અટલ બિહાર વાજપેયી, મનમોહનસિંહ કે પછી નરેન્દ્ર મોદીની સરકાર. આમ અત્યાર સુધીનો આ રેકોર્ડ કયારેય તુટ્યો નથી. વલસાડના ઉમરગામથી આદિવાસી પટ્ટો શરુ થઇ છેક અંબાજી સુધી જાય છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસીઓના વોટ ગુમાવનાર કોંગ્રેસ ફરીથી આ મત કબજે કરવા પણ વલસાડની ધરતીનો ઉપયોગ કરી શકે છે. મોરારજી દેસાઈની સત્તા હતી, ત્યારે ઇન્દિરા ગાંધી માટે ફરીથી ઉભા થવું અઘરૃંં હતું, તે સમયે લડાઈની શરૂઆત કયાંથી કરવી તે સૌથી મોટો સવાલ ઇન્દિરા ગાંધી માટે હતો, એવા સમયે વલસાડ ખાતે ઇન્દિરા ગાંધીની સભા યોજાઈ હતી. આ સભામાં ઐતિહાસિક કહી શકાય એટલી સંખ્યામાં લોકો ઇન્દિરા ગાંધીને જોવા અને સાંભળવા આવ્યા હતા. બસ તે દિવસ બાદ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસે પાછળ ફરીને જોયું ન હતું. આ સભા બાદ થયેલી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો. અને ઇન્દિરા ગાંધી ફરી દેશના વડપ્રધાન બન્યા હતા. આવી જ રીતે રાજીવ ગાંધી પણ લાલ ડુંગરે ખાતે સભામાં હાજર રહ્યા હતા. તો સોનિયા ગાંધીએ પણ અહીં લાખોની જનમેદનીને સંબોધી હતી. આમ કોંગ્રેસનો જુનો નાતો વલસાડ સાથે જોડાયેલો છે. અને ખુદ કોંગ્રેસ પણ માને છે કે, વલસાડથી કરાયેલી શરૂઆત તેમને સત્તા સુધી પહોંચાડે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારે ધરમપુરના લાલડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા છે.

આદિવાસી મતદારો ધરાવતા આ વિસ્તારમાં આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ રાહુલ સભા યોજાશે. લાલડુંગરી ખાતે દક્ષિણ ગુજરાતમાંથી દોઢ-બે લાખની વસ્તી એકત્ર કરવા કોંગ્રેસીઓ મેદાને લાગ્યા છે. કાર્યકરોને લાવવા લઈ જવા નવસારી કોંગ્રેસના આગેવાનોએ દ્વારા ભાડેથી બસ આપવા માટે કરેલી માંગણી લગ્નની ટ્રીપોનું કારણ આપીને નકારવામાં આવી હતી. પ્રદેશની ટીમ કોંગ્રેસ સાથે રાહુલ ગાંધી બેઠક યોજશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે ચૂંટણીલક્ષી જાહેરસભા માટે આવી રહ્યા છે. કોંગ્રેસી આગેવાન ગૌરવ પંડયાના જણાવ્યાનુસાર, રાહુલ ગાંધી ગુરૂવારે બપોરે ૧-૩૦ વાગ્યાની આસપાસ લાલડુંગરી ખાતે સભાસ્થળની નજીક બનાવેલા હેલીપેડ પર હેલીકોપ્ટરમાંથી ઉતરશે અને સીધા સભાસ્થળે જનસભા સંબોધવા માટે જશે. આ રેલીમાં દક્ષિણ ગુજરાતમાંથી દોઢથી બે લાખની જનમેદની ઉમટી પડવાનો દાવો કોંગ્રેસી આગેવાનો કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની સભાને લઇને દ.ગુજરાતની આદિવાસી પટ્ટી પર ભાર ઉત્સાહ જણાય રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી આ રેલીમાં આશરે દોઢથી બે લાખની જનમેદની આવશે તેવી શકયતાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વલસાડના ડી.એસ.પી. સુનીલ જોશીની આગેવાનીમાં ૭ ડી.વાય.એસ.પી., ૯ પી.આઇ., ૫૫ પી.એસ.આઇ., ૫૨૦ પોલીસકર્મીઓ તથા ૨૦૦ હોમગાર્ડના સ્ટાફને તૈનાત કરાયા છે.

રાહુલ ગાંધીની સભામાં આવનારા વાહનોના પાર્કિંગ માટે જે સ્થળો નક્કી કરાયા છે તેમાં (૧) વલસાડ, પારડી અને ઉંમરગામ તાલુકાના વાહનો માટે વલસાડરોડના સુવિધા મોલના સામેના મેદાનમાં (૨) ધરમપુર તાલુકા તથા દમણ, સેલવાસ વિભાગના વાહનો માટે જીમખાના મેદાન અને કિશનભાઇ પટેલની જગ્યામાં (૩) વાંસદા-ડાંગ વિભાગના વાહનો માટે કાનજી ફળિયા મહેશભાઇની વાડીમાં (૪) ધરમપુર તાલુકાના વાહનો માટે એસ.એમ.એસ.એમ. હાઇસ્કૂલના મેદાનમાં (૫) કપરાડા તાલુકાના વાહનોનું પાર્કિંગ કાનજી ફળિયા, મનુભાઇના ઘરની સામેની વાડીમાં (૬) ધરમપુર તાલુકા તથા શહેરના વાહનોનું પાર્કિંગ ભગુભાઇ આહિરના વાડીમાં અને (૭) નવસારી, ખેરગામ, ચીખલી તરફના વાહનોનું પાર્કિંગ હેલીપેડની બાજુના મેદાનમાં રાખવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને સભાને પગલે જિલ્લા કોંગ્રેસ સંગઠન આયોજનમાં જોતરાયું છે.

રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટી.....

અમદાવાદ, તા. ૧૪ : કોંગ્રેસની ખરાબ હાલતમાં વર્ષોથી સહારો બનનારા લાલ ડુંગરી મેદાન ખાતે મોટી સંખ્યામાં આદિવાસીઓ અને કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસના નેતાઓએ આ રેલીને રેલી નહીં પરંતુ રેલો ગણાવતા ફરીથી અહીં ધરમપુરથી દેશને નવી દિશા અને સુકાન મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીની જાહેરસભામાં અને તેમને સાંભળવા માત્ર વલસાડ અને આસપાસના જિલ્લા-તાલુકાઓ જ નહી પરંતુ દૂર-દૂરના આંતરિયાળ વિસ્તારમાંથી લોકો ઉમટયા હતા. ખાસ કરીને મહિલાઓ અને યુવાઓની હાજરી બહુ નોંધપાત્ર અને સૂચક જણાતી હતી.

(8:35 pm IST)