Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

કુંભ પહોંચેલા અમિત શાહે સંગમ ખાતે લગાવેલ ડુબકી

અમિત શાહ સાથે યોગી અને રામદેવ પણ રહ્યા : સન્નાનના ગાળા દરમિયાન હર હર મહાદેવના જયકારા

પ્રયાગરાજ, તા. ૧૩ : કુંભ મેળામાં પ્રયાગ રાજ પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે પવિત્ર સંગમમાં ડુબકી લગાવી હતી. એક દિવસીય પ્રવાસ ઉપર પ્રયાગરાજ પહોંચેલા અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા. તેઓએ પણ ડુબકી લગાવી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંગમ નૌઝ ઉપર ત્રિવેણીમાં સાધુ સંતોની સાથે ડુબકી લગાવી હતી. અમિત શાહે આ પહેલા ગંગા આરતીમાં ભાગ લીધો હતો. અમિત શાહે આ ગાળા દરમિયાન અક્ષય વડના વૃક્ષના દર્શન કર્યા હતા. મોટા હનુમાન તથા સરસ્વતી કુપના દર્શન કર્યા હતા. એક દિવસના ગાળા દરમિયાન અમિત શાહ જુદા જુદા પવિત્ર સ્થળો ઉપર પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે, અમિત શાહની યાત્રા એવા સમય પર થઇ રહી છે ત્યારે જુદા જુદા હિન્દુત્વ ગ્રુપ સરકારથી અયોધ્યામાં રામ મંદિર માટે કાનૂન બનાવવાની માંગ કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહ વારંવાર કહી રહ્યા છે કે, પાર્ટી મંદિર નિર્માણ માટે કટિબદ્ધ છે. મંદિર નિર્માણ અને બાબરી મસ્જિદની જમીનનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમિત શાહના આજના આગમનથી મોદી ક્યારે પહોંચશે તે બાબત પણ નક્કી થશે. મોદી પાંચમી વખત ઉત્તરપ્રદેશ પહોંચનાર છે. અમિત શાહે હાલમાં યુપીમાં છ બૂથ અધ્યક્ષો સાથે બેઠક કરી છે. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે ગોરખપુરમાં થનાર ભાજપ કિસાન મોરચાની બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ, અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાબા રામદેવ, અવધેશાનંદગિરી, ચિદાનંદ સરસ્વતી, મહંત નરેન્દ્રગીરી પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. તમામ અખાડાના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 am IST)