Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ત્રણ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા : પ્રાઇવેટ પાર્ટમાંથી મળ્યો લાકડાનો ટુકડો

હેવાનને પણ શરમ આવે તેવો ગુરૂગ્રામનો કિસ્સો : પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પ્રમાણે દુષ્કર્મ બાદ બાળકીને ટોર્ચર કરવામાં આવી હતી : ખભા, છાતી, કમર, પીઠ પર ઇજા પહોંચાડવામાં આવી

ગુરૂગ્રામ તા. ૧૩ : હેવાનને પણ શરમાવે તેવો એક બનાવ રવિવારે ગુરૂગ્રામમાં સામે આવ્યો છે. અહીં ત્રણ વર્ષની એક બાળકીની એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરી નાખી હતી. દુષ્કર્મ બાદ બાળકીને ખૂબ જ ટોર્ચર કરવામાં આવી હતી. બાળકીના માથામાં ઈજા અને તેના આંતરિક ભાગોમાં ઈજા થવાને કારણે તેનું મોત થઈ ગયું હતું. એટલું જ નહીં નરાધમે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લાકડાનો ટૂકડો પણ નાખી દીધો હતો. બાળકી રવિવારે તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. સોમવારે તેના ઘર નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

ગુરુગ્રામના સેકટર-૬૬ની ગુગા કોલોનીમાંથી રવિવારે એક શ્રમિક પરવારની ત્રણ વર્ષની બાળકી ગુમ થઈ હતી. આરોપી બાળકીને ચોકલેટ અપાવવાની લાલચે તેના ઘરેથી લઈ ગયો હતો.

બાળકી સાથે પાશવી કૃત્ય કરનાર આરોપીની ઓળખ ૨૦ વર્ષીય સુનિલ કુમાર તરીકે કરવામાં આવી છે. સુનિલ ઉત્ત્।ર પ્રદેશના મથુરા જિલ્લાના નૌગાવનો નિવાસી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુનિલ ગયા અઠવાડિયે ગુરૂગ્રામ ખાતે રહેતી તેની માતા અને બે બહેનોને મળવા માટે આવ્યો હતો.

આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઇમ) શમશેરસિંઘે જણાવ્યું કે, 'દુષ્કર્મ અને હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. અમે તેમના પરિવારના લોકોની પૂછપરછ કરી છે. રોપીને પકડવા માટે પોલીસે ચાર ટીમ બનાવી છે. એટલું જ નહીં ફોરેન્સિક ટીમ ઘટનસ્થળેથી જરૂરી સેમ્પલ લીધા છે.'

સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાત ડો. દીપક માથુરે જણાવ્યું કે, 'પોસ્ટ મોર્ટમ દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી ૧૦ ઇંચનો લાકડાનો ટુકડો મળ્યો હતો. બાળકીના આખા શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. બાળકીનું મોત માથામાં થયેલી ઈજા અને આંતરિક ઇજાને કારણે થયું છે. બાળકીના માથામાં કોઈ ભારે પદાર્થ મારવામાં આવ્યો હતો જેનાથી તેની ખોપડીમાં ફ્રેકચર થઈ ગયું હતું. એટલું જ નહીં બાળકીના ખભા, કમર, છાતી અને પીઢના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેનો સીધો મતલબ એવો થાય છે કે બાળકી પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યો હતો.'

પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ ૩૦૨ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે બાળકી પોતાના ઘર નજીક રવિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રમી રહી હતી ત્યારે આરોપી સુનિલે તેને ચોકલેટ આપવાની લાલચ આપી હતી. બાળકી સાથે રમી રહેલી અન્ય છોકરીઓએ આ અંગેની જાણ બાળકીના માતાપિતાને કરી હતી. સોમવારે સવારે આ બાળકી તેના ઘર નજીક આવેલા એક રૂમમાંથી મળી આવી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં હતી, તેમજ તેના શરીર પર ત્રણ ઇંટો પડી હતી. બાળકીનું મોઢું પ્લાસ્ટિકની બેગથી ઢાંકી દેવામાં આવ્યું હતું.

(12:04 pm IST)