Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અયોધ્યા, મથુરાને તીર્થસ્થળ જાહેર કર્યા બાદ દારૂ - માંસ પર મૂકાશે પ્રતિબંધ

લખનૌ તા. ૧૩ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રામની નગરી અયોધ્યા અને કૃષ્ણની નગરી મથુરાને તીર્થ સ્થળ જાહેર કરીને ત્યાં માંસ-મદીરાનું વેચાણ અને સેવન પર પૂર્ણ પ્રતિબંધ લગાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહેલ છે.

ઉત્તરપ્રદેશ સરકારનાં પ્રવકતા અને પ્રદેશનાં ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ સોમવારનાં રોજ 'ભાષા'થી વિશેષ વાતચીતમાં કહ્યું કે, 'સાધુ, સંતો અને કરોડો ભકતોની એવી માંગ હતી કે રામ અને કૃષ્ણની નગરીમાં માંસ-મદીરાનું વેચાણ અને સેવન પર પ્રતિબંધ લગાવવામાં આવે. તેઓની માંગનું સમ્માન કરતા પ્રદેશ સરકાર અયોધ્યાની ચૌદ કોસી પરિક્રમાની આસપાસનાં વિસ્તારો અને મથુરામાં પણ ભગવાન કૃષ્ણનાં જન્મ સ્થળની આસપાસનાં વિસ્તારને તીર્થ સ્થળ જાહેર કરવાની યોજના પર કામ કરી રહેલ છે. જયારે આ બંને સ્થળો તીર્થ સ્થળ જાહેર થઇ જશે તો અહીંયા સ્વતઃ જ માંસ-મદીરાનાં વેચાણ પર પ્રતિબંધ લાગી જશે. વગર તીર્થ સ્થળ જાહેર કર્યે આ બંને સ્થળો પર માંસ-મદીરા પર પ્રતિબંધ લગાવવું એ સંભવ નથી.'

તેઓએ કહ્યું કે, 'અયોધ્યા અને મથુરામાં માંસ-મદીરા પર પ્રતિબંધની માંગને સરકારે ગંભીરતાથી લીધેલ છે અને આ બંને જગ્યાઓને તીર્થ સ્થળ જાહેર કરવાની યોજના પર કામ કરવામાં આવી રહેલ છે.' ઉર્જા મંત્રીએ કહ્યું કે અયોધ્યામાં ચૌદ કોસી પરિક્રમાનો વિસ્તાર, મથુરામાં ભગવાન કૃષ્ણનાં જન્મ સ્થળની આસપાસનાં વિસ્તારને જાહેર કરીને અહીંયા માંસ-મદીરા પર પ્રતિબંધ લગાવવાની યોજના છે.

શર્માનાં અનુસાર, મથુરામાં વૃંદાવન, બરસાના, નંદગામ, ગિરિરાજજી ગોવર્ધનની સપ્ત કોષી પરિક્રમાનો વિસ્તાર પહેલેથી જ તીર્થસ્થળ જાહેર છે અને ત્યાં માંસ-મદીરાનાં વેચાણ પર પૂર્ણ પ્રતિબંઘ છે.

(11:21 am IST)