Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

યુપી - બિહાર - MPમાં પ્રજનનદર સૌથી વધુ

ભારતનો સરેરાશ પ્રજનન દર ૨.૩ : દર મહિલા દીઠ ૨.૩ બાળકોનો જન્મદર : પાકિસ્તાનમાં દરેક મહિલા સરેરાશ ૩.૩ બાળકોને જન્મ આપે છે : જ્યારે ભૂતાન, માલદિવ્ઝ અને શ્રીલંકામાં દર મહિલા સરેરાશ બે બાળકોને જન્મ આપે છે

નવી દિલ્હી તા. ૧૩ : ભારતમાં પ્રજનન દર વિશે થયેલા એક સર્વેમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે. દેશનાં ત્રણ સૌથી મોટા હિંદીભાષી રાજયોનાં લોકોમાં અને છ બિનહિંદી ભાષી રાજયોનાં લોકોમાં પ્રજનન દર વિશેનાં કેટલાક તુલનાત્મક રીતે વિરોધાભાષી તારણો પણ આવ્યા છે.

આ અહેવાલ યુ.એન. ફન્ડ ફોર પોપ્યુલેશન એકિટવિટીઝ (UNFPA)નામથી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલનું નામ છે, 'ધી સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન ૨૦૧૮.'

ભારતનો સરેરાશ પ્રજનન દસ ૨.૩ છે. એટલે કે દર મહિલાદિઠ ૨.૩ બાળકોનો જન્મદર છે. જો કે, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં આ પ્રજનન દર ૩.૦ છે. જયારે અન્ય રાજયોમાં આ દર ઓછો છે.

દેશમાં જેટલી વસ્તી છે તેના દરને જાળવી રાખવા માટેનો જે પ્રજનન દર હોવો જોઇએ તે ૨.૧ હોવો જોઇએ. પણ ભારતમાં આ દર ૨.૩ છે. એટલે કે, દેશમાં દરેક મહિલા સરેરાશ ૨.૩ બાળકોને જન્મ આપે છે.

દેશના નિતી આયોગે દરેક રાજયમાં પ્રજનન દર વિશે એક અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ મુજબ, સમગ્ર દેશમાં બિહાર પ્રજનન દરમાં આગળ છે. બિહારમાં પ્રજનન દર ૩.૩ છે. એટલે કે, બિહારમાં સરેરાશ દરેક મહિલા ૩.૩ બાળકોને જન્મ આપે છે. આ પછી બીજા ક્રમે ઉત્તરપ્રદેશ આવે છે. ઉત્તરપ્રદેશમાં દરેક મહિલા સરેરાશ ૩.૧ બાળકોને જન્મ આપે છે.

આ અહેવાલ મુજબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને કાશ્મીરમાં પ્રજનન દર ઓછો છે. વળી, તામિલનાડુ, પશ્યિમ બંગાળ, દિલ્હીનાં લોકોમાં સૌથી ઓછો એટલે કે ૧.૬ પ્રજનન દર છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં પ્રજનન દર ઓછો છે.

પ્રજનન દર ઘટાડવામાં આર્થિક સમૃદ્ઘિ મહત્વનો ભાગ ભજવે છે. જો કે, આ દ્રષ્ટિએ જોઇએ તો, ભારતમાં પ્રજનન દર અસામાન્ય છે. 

પ્રજનન દર ઘડાડવા માટે આરોગ્યની સારી સુવિધાઓ, શિક્ષણ અને બાળમૃત્યુ દર ઘટે એ મહત્વનું છે.

UNFPAનાં અહેવાલ મુજબ, ભારતમાં વિવિધ રાજયો અને આર્થિક પરિબળોની સાથે સાથે અન્ય કારણો પણ ભાગ ભજવે છે કે જેનાથી લોકોમાં પ્રજનન દર વધારે છે અથવા ઓછો છે.

આ અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું કે, દેશમાં વણજોઇતી પ્રસૂતિઓ વધારે થઇ રહી છે. ગર્ભનિરોધક સાધનો અને દવાઓ જો લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તો, આ પ્રજનન દરમાં પચાસ ટકા જેટલો ઘટાડો કરી શકાય.

દક્ષિણ એશિયાનાં દેશોમાં આ પ્રજનન દરનાં આંકડો મુજબ, પાકિસ્તામાં સૌથી વધારે પ્રજનન દર છે. પાકિસ્તાનમાં દરેક મહિલા સરેરાશ ૩.૩ બાળકોને જન્મ આપે છે. જયારે ભૂતાન, માલદિવ્ઝ અને શ્રીલંકામાં દર મહિલા સરેરાશ બે બાળકોને જન્મ આપે છે.

(11:15 am IST)