Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડશે તુલસી!

US કોંગ્રેસમાં પહેલા હિંદુ સાંસદ છે તુલસી ગબ્બાર્ડ : ભારતીય નથી તુલસી, પણ અપનાવ્યો છે હિંદુ ધર્મ : તો સૌથી યુવાન અને પહેલા મહિલા રાષ્ટ્રપતિ હશે તુલસી

વોશિંગ્ટન તા. ૧૩ : અમેરિકન કોંગ્રેસમાં પહેલા હિંદુ સાંસદ તુલસી ગબ્બાર્ડ ૨૦૨૦માં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે. લોસ એન્જલસના મેડટ્રોનિક કોન્ફરન્સમાં શુક્રવારે પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન ડોકટર સંપત શિવાંગીએ તુલસી (૩૭)નો પરિચય કરાવ્યો. સંપતે કહ્યું કે, તુલસી ૨૦૨૦માં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની શકે છે. તેમના સંક્ષિપ્ત સ્ટેટમેન્ટ બાદ લોકોએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું.

ડેમોક્રેટની હવાઈથી સાંસદ તુલસીએ પણ સભાને સંબોધિત કરી. જોકે, તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઊભા રહેવાની વાતની પુષ્ટી કે ખંડન પણ ન કર્યું. માનવામાં આવી રહ્યું છે કે, આ ક્રિસમસ દરમિયાન તે નિર્ણય કરી શકે છે. જોકે, તે ઔપચારિક જાહેરાત નહીં હોય અને તેના પર આગામી વર્ષે નિર્ણય લેવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ અને તેમની ટીમ સંભવિત દાન આપનારાઓનો સંપર્ક કરી રહી છે, જેમાંથી ઘણા ભારતીય મૂળના છે. તેઓ વોલિન્ટિયર્સના સંપર્કમાં પણ છે, કે જે ૨૦૨૦ની ચૂંટણીમાં તેમના માટે પ્રભાવશાળી પ્રચાર કરશે.

તુલસી ભારતીય મૂળના લોકોમાં ઘણાં ચર્ચિત છે. તેમની ટીમે ભારતીય મૂળના લોકોને સાધવા માટે કામ શરૂ કરી દીધું છે. કે જે અમેરિકામાં યહૂદીઓ બાદ સૌથી વધુ અમીર એથનિક સમુદાય માનવામાં આવે છે. ઘણા રાજયોમાં ભારતીય મૂળના લોકો મતદાનમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે. તુલસી ભારતીય નથી. તેમનો જન્મ હવાઈના સ્ટેટ સેનેટર તેમજ કેથલિક પિતાના ઘરે થયો અને તેમની માતા કકેસિયન સમુદાયનાં છે, જેમણે હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. તુલસી બે વર્ષનાં હતાં ત્યારથી હવાઈમાં રહે છે અને તેમણે પણ કિશોરાવસ્થામાં હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.

જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થાય છે, તો તે એક અગ્રણી રાજકીય પાર્ટીના પહેલા હિંદુ ઉમેદવાર હશે. જો તે ચૂંટાય છે તો તે સૌથી યુવાન અને પહેલા મહિલા રાષ્ટ્રપતિ હશે. તુલસી ગત સપ્તાહે જ પ્રતિનિધિ સભા માટે ચોથી વખત ચૂંટાયા છે.

(11:02 am IST)